જામનગરમાં તલાકનો ખાર રાખી પૂર્વ પતિએ મહિલાના પતિ પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા

જામનગરના સનસીટી વિસ્તારમાં તલાક નો ખાર રાખીને પૂર્વ પતિ સહિત ચાર શખ્સોએ સાત દિવસ પહેલાં જ નિકાહ કરનાર મહિલાના પતિ પર તલવાર અને લોખંડના પાઈપ…

જામનગરના સનસીટી વિસ્તારમાં તલાક નો ખાર રાખીને પૂર્વ પતિ સહિત ચાર શખ્સોએ સાત દિવસ પહેલાં જ નિકાહ કરનાર મહિલાના પતિ પર તલવાર અને લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. હુમલામાં આમીન જુસબભાઈ તાયાણીને બંને હાથ તથા બંને પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થતાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સનસીટી-ર, બીજા ઢાળિયા, રોશનશા પીરની દરગાહ પાસે રહેતાં શબાનાબેન આમીન જુસબભાઈ તાયાણી (ઉ.વ. 42)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમણે અગાઉ મહમદ ઉર્ફે કારો બોદુભાઈ ખીરા, રહે. નાની માટલી, સાથે લગ્ન કર્યા હતા અને આશરે પાંચ મહિના પહેલાં તેમની સાથે તલાક લીધા હતા. ત્યારબાદ સાતેક દિવસ પહેલાં આમીન જુસબભાઈ તાયાણી સાથે રીતરિવાજ મુજબ નિકાહ કર્યા હતા.

બુધવારે વહેલી સવારે પોણા છ વાગ્યાની આસપાસ શબાનાબેન ઘરે હતાં ત્યારે બહારથી માણસોના અવાજ આવતા તેઓ શેરીમાં જોવા નીકળ્યા હતા. તે સમયે તેમના પતિ આમીન રોડ પર પડેલા હતા અને મહમદ ઉર્ફે કારો ખીરા, હુસેન રહીમનુરમામદ ખીરા, રહે. રાજકોટ, તથા અન્ય બે અજાણ્યા શખ્સો તેમને માર મારતા હોવાનું તેમણે જોયું હતું. મહમદ ઉર્ફે કારો અને હુસેનના હાથમાં તલવાર હતી, જ્યારે અન્ય બે પૈકી એક પાસે તલવાર અને બીજા પાસે લોખંડનો પાઈપ હતો. ચારેય શખ્સોએ આમીનને મારી નાખવાના ઇરાદે તલવાર અને પાઈપ વડે આડેધડ માર માર્યો હતો. શબાનાબેન તેમને છોડાવવા દોડી જતાં આરોપીઓ સફેદ રંગની એક્સેસ તથા સફેદ ફોરવ્હીલમાં બેસી નાસી ગયા હતા.

જતા સમયે હુસેન ખીરાએ શબાનાબેનનું નાક કાપી નાખવાની ધમકી આપી હતી, જ્યારે મહમદ ઉર્ફે કારોએ શબાનાબેન તથા તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હુમલામાં આમીનના ડાબા હાથમાં ભુજા તથા કાંડા પાસે ફ્રેક્ચર જેવી ઇજા, જમણા હાથની હથેળીમાં ફ્રેક્ચર, બંને પગમાં ઘૂંટણ નીચે ફ્રેક્ચર તથા બંને હાથ અને બંને પગમાં તલવારના ઘા લાગતાં ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત શરીરે મુંઢ ઇજાઓ થતાં તેઓ બેભાન થઈ ગયા હતા.

108 મારફતે તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર ચાલુ છે. પોલીસે શબાનાબેનની ફરિયાદના આધારે મહમદ ઉર્ફે કારો બોદુભાઈ ખીરા, હુસેન રહીમનુરમામદ ખીરા તથા બે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 117(2), 118(1), 115(2), 351(3), 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ હુમલાનું કારણ શબાનાબેન સાથે થયેલા તલાકનો ખાર હોવાનું જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *