ગુજરાતમાં હેલ્થકેરનો ખર્ચ વધી રહ્યો છે અને તેનું પ્રતિબિંબ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ્સમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પોલિસીબજારના ‘ધ કોસ્ટ ઓફ કેર ઇન ઇન્ડિયા’ રિપોર્ટ અનુસાર, રાજ્યમાં સરેરાશ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ છેલ્લા ચાર વર્ષમાં 32 ટકા વધીને 2022ના રૂા.73,141થી 2026માં રૂ.96,760 થયો છે.
અમદાવાદમાં સરેરાશ ક્લેમ રૂ.1.03 લાખ સાથે રાજ્યમાં સૌથી વધુ નોંધાયો છે, ત્યારબાદ વડોદરામાં રૂ.1.02 લાખ અને સુરતમાં રૂૂ. 96,395 છે. આ આંકડા રાષ્ટ્રીય સરેરાશ રૂ.1.19 લાખથી નીચા હોવા છતાં સારવારના વધતા નાણાકીય બોજને દર્શાવે છે. મેડિકલ ઇન્ફ્લેશન અનેક શ્રેણીઓમાં વાર્ષિક 6-10 ટકા અંદાજવામાં આવે છે, જ્યારે કેન્સરની સારવારનો ખર્ચ વાર્ષિક આશરે 10-14 ટકા વધી રહ્યો છે.
પોલિસીબજારના હેલ્થ ઇન્શ્યોરન્સ હેડ સિદ્ધાર્થ સિંઘલે જણાવ્યું હતું કે, સરેરાશ ક્લેમમાં વધારાનું મુખ્ય કારણ મેડિકલ ઇન્ફ્લેશન છે. પ્રોસિજર, દવાઓ, ડાયગ્નોસ્ટિક્સ અને હોસ્પિટલાઈઝેશનના વધતા ખર્ચને કારણે ઇન્શ્યોરર્સ દરેક ક્લેમ પર વધુ રકમ ચૂકવી રહ્યા છે. ઉંમર પણ મહત્વનું પરિબળ છે. વય સાથે ક્રોનિક અને ક્રિટિકલ બીમારીઓ વધે છે, જેમાં વિશેષ સારવાર અને મોંઘી પ્રક્રિયાઓની જરૂૂર પડે છે.
ગુજરાતમાં આ દબાણ વધુ છે, કારણ કે અહીં પ્રાઇવેટ હોસ્પિટલોમાં હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ઊંચું છે. મંત્રાલયના હાઉસહોલ્ડ સોશિયલ ક્ધઝમ્પશન: હેલ્થ સર્વે મુજબ, રાજ્યમાં 64.4 ટકા હોસ્પિટલાઈઝેશન કેસ પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર પામ્યા હતા, જે શહેરી વિસ્તારોમાં 69.5 ટકા સુધી પહોંચ્યું છે. સરેરાશ મેડિકલ ખર્ચ પ્રતિ હોસ્પિટલાઈઝેશન રૂૂ. 38,607 હતો, જેમાં શહેરી વિસ્તારોમાં રૂૂ. 51,742 અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં રૂૂ. 55,139 નોંધાયો હતો.
શહેર આધારિત ઇન્શ્યોરન્સ બ્રોકિંગ ફર્મના મેનેજિંગ ડિરેક્ટર આશિષ સોનીએ જણાવ્યું કે, અદ્યતન સારવારને કારણે બિલ વધી રહ્યા છે. રોબોટિક સર્જરી અને અદ્યતન પ્રક્રિયાઓના વધતા ઉપયોગ સાથે સારવારનો ખર્ચ વધ્યો છે. પ્લાન્ડ રોબોટિક સર્જરીમાં 15-20 ટકા વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે જટિલ લિવર, કેન્સર, કિડની અને હૃદયના કેસોમાં ક્યારેક એક દિવસમાં રૂૂ. 10-15 લાખ સુધીનો ખર્ચ થાય છે.
હૃદયરોગ, કેન્સર અને હાઇપર ટેન્શન, સ્ટ્રોકના કેસમાં ઉછાળો
ઊંચા ખર્ચવાળી સારવાર ક્લેમ્સને પણ વધારી રહી છે. રાષ્ટ્રીય સ્તરે કેન્સરના સરેરાશ ક્લેમ 2021ના રૂૂ. 3.1 લાખથી વધીને 2026માં રૂૂ. 5.6 લાખ થયા છે, જ્યારે હૃદયરોગ, હાઇપરટેન્શન અને સ્ટ્રોકના ક્લેમ્સ રૂૂ. 2 લાખને પાર કરી ગયા છે. ખર્ચ વધતાં ગ્રાહકો કવરેજ વધારી રહ્યા છે. 30-40 ટકા ગ્રાહકો તેમની સમ ઇન્શ્યોર્ડ વધારી રહ્યા છે, જ્યારે ટોપ-અપ કવરની માંગ પણ દર વર્ષે વધી રહી છે. હેલ્થકેર ઇન્શ્યોરન્સ હવે નાણાકીય આયોજનનો એક ભાગ બની રહ્યું છે.
