રાજકોટ રેન્જના આઈજીપી નિર્લિપ્ત રાય આજે જામનગર જિલ્લા મુલાકાતે આવ્યા હતા. જામનગર ખાતે આગમન સમયે જિલ્લા પોલીસ વડા ડો. રવી મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આઈજીપી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના હોલમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા ડો. રવી મોહન સૈની, શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી પીયૂષ વાંદા, પોલીસ હેડક્વાર્ટરના ડીવાયએસપી વી. કે. પંડ્યા, લાલપુરના આઈપીએસ અધિકારી પ્રતિભા રાવ સહિત જામનગર શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ મથકોના અધિકારીઓ, એલસીબીના પીઆઈ તથા પોલીસ મથકોના પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન આઈજીપી નિર્લિપ્ત રાય દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે પોલીસ અધિકારીઓને જરૂૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ કાર્યવાહી અંગેનો અહેવાલ મેળવી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તથા પોલીસ કામગીરીને અસરકારક બનાવવા અંગે પણ જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
