જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજ વસૂલવા નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક સફાઈ કામદાર યુવાને એક લાખ રૂૂપિયા વ્યાજે મેળવી લીધા બાદ 10 લાખ રૂૂપિયા ચૂકવી દીધા છતાં વધુ 7 લાખ રૂૂપિયાની માંગણી કરાઈ હોવાથી તેમજ ચેક રિટર્ન કરીને અદાલતમાં સજા કરાવી હોવાથી વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. સફાઈ કામદાર યુવાનની પત્ની ચિંતામાં બીમાર પડી હતી, અને તાજેતરમાં તેણીનું મૃત્યુ પણ થયું છે, જેથી યુવાનની મુશ્કેલીમાં વધારો થયો છે.
જામનગર શહેરમાં વ્યાજખોરી અને દબાણથી ઉઘરાણી કરવાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના એક યુવકે આરોપ લગાવ્યો છે કે તેણે વર્ષ 2012માં પોતાની સાળી ના લગ્ન કરાવવા હોવાથી ફક્ત રૂૂ. 1 લાખ ઉધાર લીધા હતા, પરંતુ આરોપી વ્યાજખોરે 10 લાખ રૂૂપિયા વસૂલ્યા હોવા છતાં હજુ સુધી રૂૂ. 7 લાખની માંગણી કરીને ત્રાસ આપી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, જામનગરના ગણેશ સ્વાસ વિસ્તારમાં રહેતા અને એરફોર્સમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હિતેશભાઈ મોહનભાઈ પરમાર નામના વાલ્મિકી સફાઈ કામદારે પોતાની સાળી ના લગ્ન પ્રસંગે નાણાકીય જરૂૂરિયાતને કારણે પટેલ કોલોની વિસ્તારમાં ચાલતી નિલેશભાઈ દીક્ષિત નામના વ્યક્તિની ફાઇનાન્સ ઓફિસમાંથી રૂૂ. 1 લાખ 10 ટકા માસિક વ્યાજે લીધા હતા. આરોપીએ સિક્યોરિટી તરીકે એ.ટી.એમ. કાર્ડ, પાસબુક અને ચેકબુક લઈ ત્રણ બ્લેન્ક ચેક પર સહી કરાવી હતી.
પીડિતના જણાવ્યા મુજબ આરોપી એ.ટી. એમ. કાર્ડનો ઉપયોગ કરીને તેના ખાતામાંથી દર મહિને રૂૂપિયા ઉપાડતો રહ્યો અને ક્યારેક પોતાના ખાતામાં ટ્રાન્સફર પણ કરતો હતો. આ રીતે મૂળ રકમ કરતાં અનેકગણી રકમ વસૂલ કરવામાં આવી હતી. પછી પીડિતે પોતાનું બેંક એકાઉન્ટ બંધ કરતા આરોપીએ ધમકી આપવાનું શરૂૂ કર્યું હતું. આરોપીએ બ્લેન્ક ચેકમાં મોટી રકમ ભરી બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ કર્યો હતો, જેમાં પીડિતને સજા પણ ભોગવવી પડી હતી.
સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ આરોપીએ રૂૂ. 7 લાખની માંગણી કરી હતી. અંતે દબાણ હેઠળ પીડિતે લાખો રૂૂપિયા હપ્તા તરીકે ચૂકવ્યા હોવા છતાં આરોપી દ્વારા સતત ધમકીઓ અને વધુ ઉઘરાણી ચાલુ રાખવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે પીડિત હિતેશ પરમારે આરોપી નિલેશ દીક્ષિત સામે વ્યાજખોરી, છેતરપિંડી અને ધમકી અંગે પોલીસમાં ફરિયાદ નોંધી છે. આ બનાવે શહેરમાં ગેરકાયદેસર વ્યાજખોરીના મુદ્દે ચિંતા ઊભી કરી છે. ફરિયાદી ના પત્ની કે જેઓ તાજેતરમાં ચિંતા ના કારણે બીમાર પડી ગયા હતા, અને જી.જી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ 1લી એપ્રિલ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી ફરિયાદીની ચિંતામાં ઘણો વધારો થયો છે.
