રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ એક કિશોર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં હુમલાખોરોએ એટલી ક્રૂરતા દાખવી હતી કે કિશોરના પેટના ભાગે છરીના ઘા ઝીંકી દેતા તેના આંતરડા બહાર નીકળી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ કિશોરને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને દબોચી લીધા છે.
મળતી વિગત મુજબ, ભગવતીપરા શેરી નં. 11માં રહેતા કરશનભાઈના 17 વર્ષીય પુત્ર કરણ પર આ હુમલો કરવામાં આવ્યો હતો. ગત રાત્રે જ્યારે પરિવાર ઘરે હાજર હતો ત્યારે આરોપીઓએ ઘરમાં ઘૂસીને આ કૃત્ય આચર્યું હતું. કરણના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રો છે, જેમાં મોટો પુત્ર અગાઉ મારામારીના ગુનામાં જેલમાં છે, જ્યારે નાનો પુત્ર કરણ જ્યુબિલી ચોકમાં ચાની હોટલમાં મજૂરી કામ કરીને પરિવારને મદદરૂૂપ થાય છે. ગઈકાલે રાત્રે જ્યારે પરિવાર ઘરે હતો, ત્યારે રાત્રિના સમયે ઘરના દરવાજે કોઈએ જોરજોરથી ખખડાવવાનો અવાજ કર્યો હતો. કરણની પત્નીએ દરવાજો ખોલતા જ ભગવતીપરામાં રહેતા જાવિદ ઉર્ફે ઉર્ફે જવલો અને અલ્તાફ નામના બે શખ્સો હાથમાં તીક્ષ્ણ છરીઓ સાથે અંદર ધસી આવ્યા હતા.
આરોપીઓએ અંદર પ્રવેશતાની સાથે જ કરણ પર તૂટી પડ્યા હતા અને તેના પેટના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકવાનું શરૂૂ કર્યું હતું. હુમલો એટલો ગંભીર હતો કે કરણના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા. હુમલા દરમિયાન કરણના પિતા અને અન્ય સભ્યોએ તેને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી. બૂમરાણ થતા આસપાસના પાડોશીઓ એકઠા થઈ ગયા હતા, જેમને જોઈ આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.
લોહીલુહાણ હાલતમાં કરણને 108 મારફતે સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ હુમલા પાછળ આશરે છ મહિના પહેલા થયેલો એક સામાન્ય ઝઘડો જવાબદાર હતો. કરશનભાઈના જણાવ્યા અનુસાર, છ મહિના પહેલા જાવિદ ઉર્ફે જવલા સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખીને ગત રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. બી-ડિવિઝન પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી જાવિદ અને અલ્તાફને સકંજામાં લઈ કાયદેસરની તપાસ શરૂૂ કરી છે.
