અંજારમાં ત્રણ ભાણિયાએ પિતા સાથે મળી મામાનું ઢીમ ઢાળી દીધું

શહેરના દેવળિયા નાકા વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં ત્રણ ભાણેજ સહિત ચાર જણે મામા આમદ ઇસ્માઇલ નોડે (ઉ.વ. 65) ઉપર હુમલો કર્યો હતો, જેમાં આ વૃદ્ધનું મૃત્યુ…

શહેરના દેવળિયા નાકા વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં ત્રણ ભાણેજ સહિત ચાર જણે મામા આમદ ઇસ્માઇલ નોડે (ઉ.વ. 65) ઉપર હુમલો કર્યો હતો, જેમાં આ વૃદ્ધનું મૃત્યુ થયું હતું. અને હત્યાના આ બનાવના પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી હતી. શહેરના દેવળિયા નાકા પાસે આવેલા નોડે ફળિયામાં સાંજે 7.30 વાગ્યાના અરસામાં મારામારીનો આ બનાવ બન્યો હતો. બહાર આવેલી વિગતો અનુસાર ફરિયાદી અકબરભાઇ આમદભાઇ નોડેના ભાઇ શબ્બીરની પત્ની આરોપી ઇલિયાસના ઘરે ગઇ હતી.

આ મુદ્દે બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. આ બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી આંતરીક ઝઘડો ચાલતો હોવાનો વિગતો સાંપડી હતી. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી ઇલિયાસ નૂરમામદ નોડે, અકરમ હુસૈન નોડે, હુસૈન નૂરમામદ નોડે તથા ઇકબાલ નૂરમામદ નોડે ધોકા સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો.

આ બબાલમાં વચ્ચે પડેલા આમદભાઇ નોડે ઉપર આરોપીઓએ હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઢળી પડયા હતા. પરિણામે આ મારામારીનો બનાવ હત્યામાં પલ્ટાયો હતો. મારામારીના આ બનાવમાં ફરિયાદી અકબરભાઈ આમદભાઈ નોડે તથા મસીનભાઈ શકિલભાઈ સહિતનાને ઈજા પહોંચી હતી. મૃત્યુ પામેલા આ વૃદ્ધના શરીર ઉપર ઇજાઓના નોંધપાત્ર નિશાન જોવા મળ્યા ન હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે મૃત્યુ પાછળનું કારણ જાણી શકાશે તેવું પોલીસે ઉમેર્યું હતું. આ લખાય છે ત્યારે પોલીસે આ બનાવ અંગે વિધિવત રીતે ગુન્હો નોંધવા સહિત દિશામાં તપાસ આરંભી છે. પોલીસ દ્વારા બનાવ સ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *