પ્રતિબંધિત અલ્પ્રાઝોલમમાંથી ડ્રગ્સ બનાવતી ભિવાડીની ફેકટરી પર દરોડા: ત્રણ માલિક સહિત છ વ્યક્તિની ધરપકડ: આંતરરાજય ડ્રગ્સ ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ
ગુજરાતની એનટીટેરેરીસ્ટ સ્કોર્ડે રાજસ્થાનમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી પર દરોડા પાડયા છે અને તેના ત્રણ માલીકો સહીત છ વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. આ ફેકટરીમાંથી પ્રતિબંધીત અલ્પ્રાઝોલમમાંથી સાઇકોટ્રોપીક ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. આ દરોડા દરમિયાન કુલ 22 કિલો જેટલું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ગઇકાલે ગુજરાત એટીએસ દ્વારા રાજસ્થાનના કૈથલ જિલ્લાના ટપુકારા તાલુકાના ભિવાડી એરીયાના રિકો ઇન્ડસ્ટ્રીયલ એરિયાના એપીએલ ફાર્મા પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ત્રણ મુખ્ય આરોપી અંશુલ અનિલકુમાર શાસ્ત્રી, અલિખેશ કુમાર પારસનાથ મોરીયલ, ક્રિષ્નકુમાર યાદવની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેમની સાથે ત્રણ મજુરની પણ અટકાયત કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન નશાકારક પદાર્થ માટે વપરાતુ ગેરકાયદેસર કેમીકલ અલ્પ્રાઝોલમ મળી આવ્યું હતું. જેની કુલ માત્રા 22 કિલો જેટલી હાથ લાગી છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ જથ્થાની કિંમત કરોડો રૂપિયા થાય છે. સુત્રોએ જણાવ્યું હતું કે રાજસ્થાનની ફેકટરીમાં ડ્રગ્સ બનાવીને અનેક રાજયોમાં ઘુસેડવામાં આવ્યું હતું. આ ઓપરેશન ગુજરાત એટીએસ દ્વારા રાજસ્થાન એસઓજીની જયપુર બ્રાન્ચ અને લોકલ પોલીસને સાથે રાખીને કરવામાં આવી હતી. આ દરોડા બાદ વધુ તપાસનો દૌર ચાલી રહ્યો છે અને આ ડ્રગ્સ કયાં કયાં ઘુસાડવામાં આવતું હતું તે અંગે પણ ટુંક સમયમાં ચોંકાવનારા ખુલાસાઓ થશે.
