અમરેલીમાં પત્નીએ પોલીસ કેસ કરતા વ્યથિત પતિએ પુત્રી સાથે કરેલો આપઘાત

અમરેલીના બાયપાસ પાસે આવેલી એક વાડીમાં રવિવારની રાત્રે પિતા-પુત્રીએ સાથે કૂવામાં ઝંપલાવી દેતા કરૂૂણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. પત્ની સાથેના વિવાદ અને…

અમરેલીના બાયપાસ પાસે આવેલી એક વાડીમાં રવિવારની રાત્રે પિતા-પુત્રીએ સાથે કૂવામાં ઝંપલાવી દેતા કરૂૂણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. પત્ની સાથેના વિવાદ અને પોલીસ ફરિયાદથી વ્યથિત થઈને પિતાએ માસૂમ દીકરી સાથે અંતિમ પગલું ભરતા અરેરાટી વ્યાપી ગઈ છે.

અમરેલીની બ્રાહ્મણ સોસાયટી પાછળ રામાણીનગરમાં રહેતા દિપકભાઇ બાબુભાઇ રામાણી (ઉં.વ. 40)અને તેમની 12 વર્ષીય પુત્રી રિવાએ ગત તા. 22ના રોજ રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં અમરેલી બાયપાસ પાસે આવેલી પોતાની વાડીએ ગયા હતા. ત્યાં પિતા પુત્રીએ એકસાથે વાડીના કૂવામાં ઝંપલાવ્યું હતું, જેમાં પાણીમાં ડૂબી જવાથી બંનેના કમકમાટીભર્યા મોત થયા હતા.

બનાવ અંગે મૃતકના ભાઈ હિતેષભાઇ રામાણી દ્વારા પોલીસ સમક્ષ જાહેર કરવામાં આવેલી વિગત પ્રમાણે મૃતક દિપકભાઇના પત્ની છેલ્લા ત્રણ મહિનાથી સુરત મુકામે પિયરમાં રીસામણે હતા. પત્નીએ સુરતના કતારગામ મહિલા પોલીસ સ્ટેશનમાં દિપકભાઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. કૌટુંબિક કલેશ અને પોલીસ કાર્યવાહીના કારણે દિપકભાઇ સતત માનસિક તણાવમાં હતા અને આ બાબત તેમને મનમાં લાગી આવતા તેમણે દીકરી સાથે આત્મઘાતી પગલું ભર્યું હતું.

આ બનાવ અંગેની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કૂવામાંથી બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. રામાણી પરિવારના બે સભ્યોના એકસાથે મોતના સમાચારથી બ્રાહ્મણ સોસાયટી અને રામાણીનગર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *