શહેરમાં વધતી જતી ગુનાખોરીને કાબુમાં લેવા ખાસ કરીને તહેવારો ઉપર કોઈ ઘટનાઓ ન બને તેને લઈને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી પાસામાં અટકાયતી થયેલા અને હાલ પાસામાથી છુટેલા બુટલેગરો સહિતના રિઢા ગુનેગારોને ક્રાઈમ બ્રાંચમાં બોલાવવામાં આવ્યા હતાં. અને આ તમામ ગુનેગારોને ડીસીપી જગદીશ બાંગરવાએ સુચના આપી સુધરી જવા તાકીદ કરી હતી અને જો હજુ પણ નહીં સુધરો તો કડક કાર્યવાહી માટે તૈયાર રહેવા માટે સુચના આપવામાં આવી હતી.
શહેરમાં વર્ષ 2022થી 2024 સુધી બે વર્ષ દરમિયાન પાસા હેઠળ જેલની હવા ખાઈ ચુકેલા અને હાલ પાસામાંથી મુક્ત થયેલા રિઢા ગુનેગારોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં અગાઉ દારૂ, મિલ્કત સબંધી ગુનાઓ જેમાં ચોરી તેમજ વાહન ચોરી તથા છેડતી-મારામારી સહિતના ગુનામાં જેલમાં જઈને આવેલા 256થી વધુ ગુનેગારોની યાદી તૈયાર કર્યા બાદ આ તમામને આજે ક્રાઈમ બ્રાંચ ખાતે બોલાવવામાં આવ્યા હતાં. અને હાલ તેઓ શું પ્રવૃતિ કરે છે તેમજ પાસામાંથી મુક્ત થયા બાદ અન્ય કોઈ ગુનો આચરેલ છે કે કેમ તે બાબતે ચકાસણી કરવામાં આવી હતી.
ડીસીપી જગદીશ બાંગરવા તથા ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બી બસિયા સાથે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલિયા, મનોજ ડામોર,એસઓજીના પીઆઈ એસએમ જાડેજા, પીસીબીના પીએસઆઈ એમ.જે. હુણ, તથા શહેરના તમામ પોલીસ મથકના પીએસઆઈ અને ડી સ્ટાફને સાથે રાખી તેમના વિસ્તારના આવા રીઢા ગુનેગારોને ક્રાઈમ બ્રાંચ ખાતે બોલાવી તેમની પરેડ લેવામાં આવી હતી અને આ તમામને હવે સુધરી જજો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહેજો તેમ સ્પષ્ટ ડીસીપી જગદીશ બાંગરવાએ સુચના આપી હતી.