મોચી બજારમાંથી ગેરકાયદે ચાલતું કતલખાનું ઝડપાયું

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં શહેરના મોચીબજાર ચામડીયા ખાટકીવાસ વિસ્તારમાં આવેલા રફીક મંઝિલમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે કતલખાનું ચલાવવામાં આવી…

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં શહેરના મોચીબજાર ચામડીયા ખાટકીવાસ વિસ્તારમાં આવેલા રફીક મંઝિલમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે કતલખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. 26 જુલાઈ 2026ના રોજ સવારના સુમારે મળેલી બાતમીના આધારે રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. કૃપા ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ જયેન્દ્રભાઈ અનિલભાઈ ચંદવાણીયા દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ કાફલો અને પશુપાલન વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમ સાથે સ્થળ તપાસ કરવામાં આવતા ગંભીર હકીકતો પ્રકાશમાં આવી હતી.

ઘટનાસ્થળે તપાસ દરમિયાન આરોપી અલ્તાફભાઈ ઈબ્રાહીમભાઈ મુસાણી પોતાની દુકાને કોઈપણ પ્રકારના વૈધ કતલખાનાના લાયસન્સ વિના ભેંસ વંશના પાડા (પશુ)ની કતલ કરી કતલખાનું ચલાવતો હોવાનું જણાઈ આવ્યું હતું. સ્થળ પરથી મૃત પાડાના અવશેષો અને માંસના ટુકડા મળી આવ્યા હતા, જેનું વેટરનરી ડોક્ટર દ્વારા સેમ્પલ લઈને એફએસએલ કચેરી ખાતે મોકલવામાં આવ્યા હતા. એફએસએલ તપાસ દરમિયાન જપ્ત કરાયેલું આ માંસ ગૌ-વંશનું ન હોવાનું સર્ટિફિકેટ બહાર આવ્યું હતું. જો કે, આરોપી દ્વારા બે મૃત પાડા સિવાયના અન્ય પશુઓનું માંસ સગેવગે કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

આ સમગ્ર મામલે ફરિયાદી જયેન્દ્રભાઈ ચંદવાણીયાની સચોટ ફરિયાદના આધારે રાજકોટ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 325, 238 તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-1960ની કલમ 11(1)એલ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી અલ્તાફભાઈ ઈબ્રાહીમભાઈ મુસાણી વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *