ગોંડલના કોલીથડમાં ‘પ્રેમી હવે નહીં અપનાવે’ તેવા ડરથી યુવતીનો ઝેર પી આપઘાત

ગોંડલ તાલુકાના કોલીથડ ગામની સીમમાં આવેલી મનીષભાઈની વાડીએ યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. પ્રેમપ્રકરણની જાણ પિતાને થતાં તેમણે યુવતીને…

ગોંડલ તાલુકાના કોલીથડ ગામની સીમમાં આવેલી મનીષભાઈની વાડીએ યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. પ્રેમપ્રકરણની જાણ પિતાને થતાં તેમણે યુવતીને પ્રેમીના ઘરે મોકલી આપી હતી, પરંતુ ત્યાંથી પરત મોકલાતાં ”હવે યુવક તેને નહીં અપનાવે” તેવા ડર અને આઘાતમાં આવી જઈ યુવતીએ આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, મૂળ દાહોદના વતની અને હાલ ગોંડલના કોલીથડ ગામે મનીષભાઈની વાડીએ રહીને ખેતીકામ કરતાં વિજયભાઈ ભાગોરની 20 વર્ષીય પુત્રી હંસા બપોરે બે વાગ્યાના અરસામાં વાડીએ હતી ત્યારે તેમણે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારે તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

પરિવારજનોએ જણાવ્યું હતું કે, હંસાને તેમના જ ગામના એક યુવક સાથે પ્રેમસંબધ હતો. આ બાબતની જાણ પિતાને થતાં તેમણે દીકરીને તે યુવકના ઘરે મોકલી આપી હતી. પરંતુ યુવકના પરિવારજનોએ હંસાને સમજાવીને આશરે 2 કલાક પછી પરત ઘરે મોકલી દીધી હતી.

યુવકના ઘરેથી પરત આવ્યા બાદ ”હવે પ્રેમી તેને પાછી નહીં લઈ જાય” તેવો ડર હંસાને સતત સતાવી રહ્યો હતો. આ બાબતે મનમાં આઘાત લાગી આવતાં તેમણે વાડીએ જઈને ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને જીવનલીલા સંકેલી લીધી હતી. બનાવને લઈ પરિવારમાં શોક માહોલ છવાયો છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *