ધોરાજી ફોરેસ્ટ વિભાગે પર્યાવરણ અને વન સંપદાના રક્ષણ માટે કડક કાર્યવાહી કરી છે. ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યાના નેતૃત્વ હેઠળ વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોટી મારડ અને ચીખલીયા વચ્ચેના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે દેશી બાવળનું કટિંગ કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
વન વિભાગને ખાનગી બાતમી મળી હતી કે મોટી મારડ અને ચીખલીયા રોડ પર કેટલાક શખ્સો પરવાનગી વગર દેશી બાવળ કાપી રહ્યા છે. આ બાતમીના આધારે આર.એફ.ઓ. નિહારિકાબેન પંડ્યા અને તેમની ટીમે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન, નાગલખડાના બુખારી શબ્બીર હુસેન અને સમા સુફિયાન ઈકબાલને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા રંગેહાથ ઝડપી લેવાયા હતા.
ઘટના સ્થળેથી લાકડાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી બોલેરો ગાડી અને અંદાજે 80 થી 90 મણ દેશી બાવળના લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંને શખ્સો પાસેથી એડવાન્સ રિકવરી પેટે ₹50,000 નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
ધોરાજીના ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યાએ જણાવ્યું હતું કે, પકડાયેલા શખ્સો પાસે લાકડા કાપવા કે તેની હેરફેર કરવા માટેના કોઈ કાયદેસરના આધાર-પુરાવા કે પરમિટ નહોતા. આથી, વન વિભાગે ગેરકાયદેસર કટિંગ અને પરિવહનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી લાકડા ચોરી અને ગેરકાયદેસર કટિંગ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
