પોઇન્ટ ટેબલમાં ગુજરાત અગ્રેસર, ચંદીગઢમાં આજે ભારે વરસાદની સંભાવના
આઇપીએલ 2026 હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. ટૂર્નામેન્ટની આગામી મહત્વની મેચ એટલે કે ક્વોલિફાયર 2 ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાવાની છે. આ મહામુકાબલામાં જે ટીમ જીત મેળવશે તે 31 મેના રોજ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટાઇટલ માટે ટકરાશે. પરંતુ આ મેચ રમાય તે પહેલા જ એક એવું સમીકરણ સામે આવ્યું છે જેણે રાજસ્થાન રોયલ્સના કેમ્પની ઊંઘ ઉડાવી દીધી છે. જો હવામાન ખરાબ રહ્યું તો ગુજરાત ટાઇટન્સની ટીમ મેચ રમ્યા વગર જ સીધી ફાઇનલમાં એન્ટ્રી કરી શકે છે.
ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેનો આ હાઈ-વોલ્ટેજ મુકાબલો આજે મુલ્લાંપુર (ન્યૂ ચંદીગઢ)ના મહારાજા યાદવીન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાનો છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, 29 મેના રોજ ન્યૂ ચંદીગઢમાં ભારે વરસાદની સંભાવના છે. ખરાબ હવામાનના કારણે આ મેચ ધોવાઈ જવાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે.
BCCIના નિયમો અનુસાર, આઇપીએલની ફાઇનલ મેચ સિવાય પ્લેઓફની અન્ય કોઈ પણ મેચ માટે કોઈ ’રિઝર્વ ડે’ રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં જો વરસાદ અથવા ખરાબ હવામાનના કારણે ક્વોલિફાયર 2ની મેચ સંપૂર્ણપણે રદ થાય છે, તો આઇપીએલના નિયમો મુજબ પોઇન્ટ્સ ટેબલમાં જે ટીમના વધારે પોઇન્ટ્સ હશે તેને સીધી ફાઇનલમાં પ્રવેશ મળશે. આ નિયમ સીધો શુભમન ગિલની કેપ્ટનશીપ વાળી ગુજરાત ટાઇટન્સ ટીમના પક્ષમાં જાય છે.
લીગ સ્ટેજના પ્રદર્શન પર નજર કરીએ તો, ગુજરાત ટાઇટન્સે પોતાની 14 મેચોમાંથી 9 મેચમાં શાનદાર જીત મેળવીને પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને રહીને પ્લેઓફની ટિકિટ મેળવી હતી. જ્યારે બીજી તરફ સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સે 14 માંથી 8 મેચ જીતીને 16 પોઇન્ટ સાથે પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું હતું. આમ, પોઇન્ટ્સ અને નેટ રન રેટના મામલામાં ગુજરાતની ટીમ રાજસ્થાન કરતાં આગળ છે. ત્યારે જો કુદરતનું કોઈ વિઘ્ન આવે અને મેચ રદ કરવી પડે તો રાજસ્થાનનું આઇપીએલ 2026 જીતવાનું સપનું રોળાઈ જશે અને ગુજરાત રમ્યા વગર જ ટાઇટલની રેસમાં ફાઇનલમાં પહોંચી જશે.
વૈભવને આઉટ કેમ કરવો, રણનીતિ તૈયાર
ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ માટે પહેલો અને કદાચ સૌથી મોટો પડકાર એ છે કે વૈભવ સૂર્યવંશીને સસ્તામાં કેવી રીતે આઉટ કરવો. ગુજરાત ટાઇટન્સના સહાયક કોચ પાર્થિવ પટેલે આ મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. પાર્થિવ પટેલે જણાવ્યું હતું કે તેમણે વૈભવ સૂર્યવંશી માટે કેટલીક યોજનાઓ વિકસાવી છે, જે મેદાન પર જાહેર કરવામાં આવશે. પાર્થિવે કહ્યું કે ટીમ તૈયાર છે. ૠઝ ફક્ત મેદાન પર જ તેના કાર્ડ જાહેર કરશે.હું બ્રોડકાસ્ટર નથી તેથી હું મારી યોજનાઓ જાહેર કરી શકતો નથી. હું વૈભવની બેટિંગ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આશા છે કે અમે મેચની શરૂૂઆતમાં તેને આઉટ કરી શકીશું અને અમારી યોજનાઓને અમલમાં મૂકી શકીશું. પાર્થિવ પટેલે વૈભવ સૂર્યવંશીની ઉંમર અંગેની ચર્ચાને નિરર્થક ગણાવી હતી. તેણે કહ્યું, લોકોને વૈભવ જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે પસંદ આવી રહ્યું છે. આપણે તેની ઉંમર વિશે વાત ન કરવી જોઈએ. મને લાગે છે કે તેના પર રોક લગાવવી મહત્વપૂર્ણ છે. તેની પાસે જબરદસ્ત પ્રતિભા છે, અને અમે આશા રાખીએ છીએ કે વિરોધી ટીમ વધારે રન ન બનાવે.
