સિધ્ધરામૈયાના સ્થાને શિવકુમાર, કોંગ્રેસે ભૂતકાળમાંથી બોધ લીધો

કર્ણાટકમાં અંતે નેતૃત્વ પરિવર્તન થઈ ગયું ને સિધ્ધરામૈયાના સ્થાને ડી. કે. શિવકુમારને મુખ્ય મંત્રીપદે બેસાડવાનો તખ્તો તૈયાર છે. શિવકુમાર અને સિદ્ધરામૈયા વચ્ચે લાંબા સમયથી મુખ્ય…

કર્ણાટકમાં અંતે નેતૃત્વ પરિવર્તન થઈ ગયું ને સિધ્ધરામૈયાના સ્થાને ડી. કે. શિવકુમારને મુખ્ય મંત્રીપદે બેસાડવાનો તખ્તો તૈયાર છે. શિવકુમાર અને સિદ્ધરામૈયા વચ્ચે લાંબા સમયથી મુખ્ય મંત્રીપદ માટે ખેંચતાણ ચાલતી હતી. કોંગ્રેસ હાઈકમાન્ડે 2023ના મે મહિનામાં કોંગ્રેસે વિધાનસભામાં જોરદાર જીત મેળવી પછી અઢી-અઢી વર્ષ માટે સિદ્ધરામૈયા અને શિવકુમારને મુખ્ય મંત્રીપદે રાખવાની આપેલી ખાતરીમાંથી પછેહઠ કરીને શિવકુમારને ભારે અન્યાય કર્યો હોવાની લાગણી તેમના સમર્થકોમાં પ્રબળ બનતી જતી હતી. આ લાગણી બળવામાં પરિણમે ને શિવકુમાર ભલે કોંગ્રેસમાં રહે પણ તેમના આશિર્વાદથી અસંતુષ્ટ કોંગ્રેસીઓ નોખો ચોકો રચે એ ખતરો વધતો જતો હતો.

કોંગ્રેસે આ ખતરાને ટાળવા સિદ્ધરામૈયાને ખસેડીને શિવકુમારને ગાદી પર બેસાડવાનો નિર્ણય લઈ લીધો. સિદ્ધરામૈયા ખસવા તૈયાર તો નહોતા પણ પ્રિયંકા ગાંધી અને રાહુલના દબાણ સામે ઝીંક ના ઝીલી શકતાં છેવટે ગુરુવારે જય હો કરીને રાજીનામું ધરી દીધું. પોતાના સ્થાને શિવકુમારને બેસાડવાની જાહેરાત પણ સિધ્ધરામૈયાએ જ કરી તેથી કોંગ્રેસમાં કોઈ ડખા નથી ને રાજીખુશીથી બધું થયું છે એવું લાગે. કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન કરીને કોંગ્રેસે ભૂલ સુધારી છે કે નહીં એ તો સમય જ કહેશે પણ ભૂતકાળમાં કોંગ્રેસે બે ટોચના નેતાઓના ટંટાઓનું નિવારણ ના કર્યું ત્યાં કોંગ્રેસ ભૂંડી રીતે હારી છે એ જોતાં કોંગ્રેસ ભૂતકાળની ભૂલોમાંથી શીખી છે એ સ્વીકારવું પડે.

બહુ લાંબો ભૂતકાળ ના ઉવેખીએ તો પણ રાજસ્થાન અને છત્તીસગઢનો ઈતિહાસ તાજો જ છે. 2018માં કોંગ્રેસે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ એ ત્રણ રાજ્યો ભાજપ પાસેથી આંચકી લીધાં પછી ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસે નવા નેતાઓને ગાદી સોંપવાના બદલે નહેરુ-ગાંધી ખાનદાનના ચાપલૂસ ધૈડિયાઓને પસંદ કર્યા હતા. વિધાનસભા ચૂંટણી લગી સિદ્ધરામૈયા ગાદી પર હોત તો આ જીભાજોડી જંગમાં ફેરવાઈ ગઈ હોત એ જોતાં કોંગ્રેસ હાઈકમાન્ડે સમય વર્તે સાવધાન થઈને નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લઈ લીધો. તેનો ફાયદો થશે કે નહીં એ તો બે વર્ષ પછી જ ખબર પડશે પણ હાલ પૂરતો તો શિવકુમારના સમર્થકોનો અસંતોષ ગાયબ જ થઈ ગયો છે.

શિવકુમારને પણ પોતે લાયક હોવા છતાં તક ના મળી એ વસવસો હતો એ દૂર થઈ ગયો. શિવકુમાર પોતે બિઝનેસમેન છે તેના કારણે બિઝનેસમેન કોમ્યુનિટીને કોંગ્રેસ સાથે રાખી શકે છે. જ્ઞાતિનાં સમીકરણો પણ શિવકુમારની તરફેણમાં છે. કર્ણાટકમાં લિંગાયત અને વોક્કાલિંગા એ બે સૌથી મજબૂત મતબેંક છે. શિવકુમાર વોક્કાલિંગા હોવાથી વોક્કાલિંગા સમુદાયના બહુમતી મતો કોંગ્રેસની તરફેણમાં પડી શકે. એકંદરે શિવકુમાર કોંગ્રેસ માટે સારી પસંદગી છે એ જોતાં કોંગ્રેસે યોગ્ય સમયે નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લઈને સારું કર્યું છે. હવે પછીનાં બે વર્ષમાં શિવકુમારે આ પસંદગી યોગ્ય છે એ સાબિત કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *