શહેરના યુનિવર્સિટી રોડ પર પટેલ ક્ધયા છાત્રાલય સામેના રોડ પાસે કૈલાશ પાર્ક 5 માં રહેતા રમેશભાઈ નરસિંહભાઈ સોરઠીયા (ઉ.વ. 59) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પર રહેતા શૈલેષ અમરશીભાઈ લુણાગરિયા અને તેની સાથેના અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
પ્રૌઢે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પંચાયત ચોક પાસે ઉમિયા ગાર્ડન નજીક શ્રીરામ ભજીયા સેન્ટર નામે ભજીયાની દુકાન ચલાવે છે. પ્રૌઢના સગાભાઈ અરવિંદભાઈની દીકરી જ્યોતિના લગ્ન પાંચેક વર્ષ પહેલાં શૈલેષ લુણાગરિયા સાથે થયા હતા. બાદમાં બંનેને મનમેળ ન રહેતા અને વારંવાર ઝઘડો થતા દોઢેક માસ પહેલા છુટાછેડા થઈ થઈ ગયા હતા.
દરમિયાન ગઈ તા. 30/12 ના રાત્રીના 9:30 વાગ્યા આસપાસ ફરિયાદી પોતાની દુકાને હતા ત્યારે નંબર પ્લેટ વગરની કાળા કલરની કાર દુકાન પાસે આવી હતી અને તેમાંથી શૈલેષ તથા તેની સાથે અજાણ્યો શખસ આવ્યા હતા. બાદમાં શૈલેષ ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો અને કહેતો હતો કે, તારા લીધે જ મારા છૂટાછેડા થયા છે અને તે કરેલી અરજી પાછી ખેંચી લેજે આજે તો તારા હાથ પગ ભાંગી નાખવા છે તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. પ્રૌઢે ગાળો આપવાની ના કહેતા શૈલેષ ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રૌઢના મિત્ર પ્રભુભાઈએ સમજાવવાનો પ્રયત્ન કરતા શૈલેષ તથા તેની સાથેના શખસે પ્રભુભાઈને કહ્યું હતું કે તું આઘો રહેજે નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશું.
દરમિયાન શૈલેષના મામા રમેશભાઈ વૈષ્ણવને ફોન કરીને દુકાને બોલાવ્યા હતા જેથી તેઓ અહીં આવી જતા રમેશભાઈએ તેને ઠપકો આપતા શૈલેષ તથા તેની સાથેના શખસને સારૂૂ ન લાગતા પ્રૌઢને ધક્કો માર્યો હતો અને જતા જતા કહ્યું હતું કે, તને તો અમે જાનથી મારી નાખીશું. જેથી આ અંગે પ્રૌઢે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
