ગુજરાત ભરમાંથી નાના-નાના મહેસુલી કેસો માટે પણ લોકોને અમદાવાદના ધક્કા, પૈસા અને સમયનો થતો વ્યય
રાજકોટ બાર એસોસિએશન, ધારાસભ્યો-સંસદ સભ્યોએ અસરકારક ઝુંબેશ શરૂ કરવી જરૂરી
રાજ્ય સરકાર ધારે તો આપી શકે, નિવૃત્ત આઇ.એ.એસ. અધિકારીથી પણ ચાલે કચેરી
ગુજરાતમાં અંદાજે સાત કરોડની વસતી સામે અમદાવાદમાં એક જ સ્થળે હાઇકોર્ટ આવેલી હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ માટે રાજકોટમાં હાઇકોર્ટ ફાળવવાની માંગ સાથે શરૂ થયેલી લડત ચૂંટણીલક્ષી નીકળ્યા બાદ હવે અમદાવાદ ખાતે આવેલી મહેસુલ વિવાદની કચેરી દરેક જિલ્લામાં ફાળવવાની માંગણી થઇ છે. જો કે, આ માંગણી રાજકોટ બાર એસો. કે અન્ય કોઇ સંસ્થા નહીં પણ રાજુલા બાર એસો.ના પ્રમુખે કરી છે.
ગુજરાત ભરમાં જિલ્લા કલેક્ટરો દ્વારા જે મહેસુલી વિવાદો નામંજૂર થાય તેની અપીલો અમદાવાદ-સોલા ખાતે આવેલ વિવાદ મહેસુલ સચિવ સમક્ષ થતી હોવાથી નાના-નાના કેસોની અપીલ માટે પણ લોકોને અમદાવાદ ધક્કા ખાવા પડે છે.
આવી સ્થિતિમાં ગુજરાત રાજ્યના મહેસૂલી વિવાદોની અપીલો અને રિવિઝન દરેક જિલ્લા મથકે ચલાવવાની માંગણી રાજુલા બાર એસોસિએશનના પ્રમુખ કે. એસ. રાઠોડે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ કરી છે.
તેમણે જણાવ્યું છે કે, હાલમાં, આખા ગુજરાતની મહેસૂલી અપીલો અને રિવિઝન અમદાવાદના સોલા ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ ભવનમાં ચાલે છે. આ વ્યવસ્થાને કારણે કેસોનો ભરાવો થાય છે અને કાર્યવાહી ધીમી પડે છે. રાજ્યભરના વાદીઓ, પ્રતિવાદીઓ, મહિલાઓ અને વૃદ્ધો સહિતના અરજદારોને દૂર દૂરથી અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે. આનાથી તેમનો આર્થિક ખર્ચ વધે છે અને સમયનો પણ વ્યય થાય છે.
આ પ્રશ્નના નિરાકરણ માટે, આવી અપીલો અને રિવિઝન ગુજરાત રાજ્યના દરેક જિલ્લા મથકે ચલાવવાની વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરવામાં આવી છે. આનાથી હજારો અસીલોને અમદાવાદ જવામાંથી મુક્તિ મળશે અને તેમને ઝડપી ન્યાય મળી શકશે. રાઠોડે એવી પણ રજૂઆત કરી છે કે ગુજરાત રાજ્યની દરેક કોર્ટના વકીલ મંડળે આ માંગણી રાજ્ય સરકાર સમક્ષ કરવી જોઈએ, જેથી મોટા વર્ગને લાભ મળી શકે.
રાજુલા બાર એસો.ના પ્રમુખે ઉઠાવેલો આ પ્રશ્ર્ન સંપૂર્ણ વ્યાજબી છે. સામાન્ય પ્રકરણોની અપીલો માટે પણ અમદાવાદ ખાતેની વિવાદ સચિવની કચેરી સુધી પક્ષકારોએ ધક્કા ખાવા પડે છે અને આર્થિક તથા સમયની બરબાદી પણ થાય છે.
વિવાદ સચિવમાં મોટા ભાગે નિવૃત્ત આઇ.એ.એસ. અધિકારીઓની જ નિમણૃક થઇ હોય છે. ત્યારે જો દરેક જિલ્લા મથકે અથવા તો ઝોનવાઇઝ વિવાદ સચિવની કચેરીઓ શરૂ કરવામાં આવે તો લોકોને મહેસુલી કેસોમાં અરજદારોને ઘણી રાહત મળી શકે તેમ છે. ત્યારે આ બારામાં રાજકોટ બાર એસોસિએશન, ધારાસભ્યો, સાંસદો વિગેરે સરકારમાં અસરકારક રજૂઆત કરે તે સમયની માંગ છે.
ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ રાજકોટમાં કચેરી ફાળવવા પત્ર લખ્યો
‘ગુજરાત મિરર’ની આજે શુભેચ્છા મુલાકાતે આવેલા ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાનું મહેસુલ વિવાદ અપીલની કચેરીઓ અમદાવાદમાં હોવાથી ગુજરાતભરના અરજદારોને થતી હેરાનગતિ અંગે ધ્યાન દોરાતા રમેશભાઇ ટીલાળાએ જણાવ્યુ હતુ કે, આ માંગણી એકદમ વ્યાજબી છે. દરેક જિલ્લાકક્ષાએ તો નહીં પણ ઝોનવાઇઝ વિવાદ અપીલની કચેરી હોવી જોઇએ મેં પણ થોડા સમય પહેલા મુખ્યમંત્રીને પત્ર લખીને રાજકોટમાં વિવાદ સચિવની કચેરી શરૂ કરવા રજૂઆત કરી છે અને આ માટે હું સરકારમાં સમયાંતરે ફોલોઓપ પણ લેતો રહીશ.
