ભાવનગરના વરતેજમાં અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના મામલે પતિએ પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. છ દિવસ પહેલાં મહિલાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું સાસરીયાઓએ જણાવ્યું હતું, પરંતુ પિતાની શંકાના આધારે હાથ ધરાયેલી તપાસમાં હત્યાનો ગુનો સામે આવતા પોલીસે જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવવાની વિગતો એવી છે કે સિહોરના મઢડા ગામે રહેતા જોરસંગભાઈ દેહાભાઈ ડોડીયાએ વરતેજ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરી અલ્પાબેનના લગ્ન વરતેજ ખાતે રહેતા અર્જુન કાળુભાઈ પરમાર સાથે થયા હતા. અર્જુન ભાવનગરમાં રહી સાડીમાં ટીકા ભરવાનું કામ કરતો હતો અને ક્યારેક જ ઘરે આવતો હતો.
અલ્પાબેનને સંતાનમાં બે દીકરા હતા. અર્જુનને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તે અવારનવાર પત્નીને મારપીટ કરતો હતો અને ઘરે બીજી સ્ત્રીને બેસાડવાની વાત કરી ત્રાસ આપતો હતો. ગત 8 માર્ચના રોજ એક લગ્ન પ્રસંગમાં અલ્પાબેને પોતાના ભાઈઓને આ દુ:ખ વ્યક્ત પણ કર્યું હતું.
ગત તા. 19 માર્ચના રોજ બપોરે જોરસંગભાઈને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે અલ્પાબેનનું અવસાન થયું છે અને સાસરીયાઓ દ્વારા હાર્ટ એટેકનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. જોકે, પિયર પક્ષને શંકા જતાં તેઓએ પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી.
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં થયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો કે અલ્પાબેનનું મૃત્યુ ગળું દબાવવાને કારણે થયું છે. આ રિપોર્ટના આધારે વરતેજ પોલીસે આરોપી પતિ અર્જુનસિંહ કાળુભાઈ પરમાર વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 103(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
