ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, ઉના પંથકમાં ચાર દિવસમાં બીજી હત્યા
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સામાન્ય ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની જ પત્ની પર કુહાડી વડે હુમલો કરી નિર્મમ હત્યા કરી નાખતા ગામમાં અરેરાટી ફેલાઈ છે. મજૂરી કરી બાળકોનું ભવિષ્ય ઘડતી માતાના અકાળે મોતથી ત્રણ માસૂમ સંતાનો છત્રછાયા વિહોણા બન્યા છે.
મળતી વિગતો મુજબ, ભેભા ગામમાં રહેતા દેવશી દાનાભાઈ બાંભણીયા ઉર્ફે ઘૂઘો અને તેની પત્ની લાખુબેન (ઉં.વ. 35) વચ્ચે અવારનવાર ઘરકંકાસ થતો હતો. દેવસી વ્યવસાયે માછીમાર છે અને ચાર દિવસ પૂર્વે જ માછીમારી કરીને ઘરે પરત ફર્યો હતો. ગુરુવારે બપોરના સમયે લાખુબેન રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે લાખુબેન પોતાના ભાઈ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન દંપતી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી શરૂૂ થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા દેવશી આવેશમાં આવી ગયો અને કુહાડી વડે લાખુબેનના ગળાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા. ગંભીર રીતે ઘાયલ લાખુબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.
ચોંકાવનારી બાબત એ છે કે, ઝઘડા દરમિયાન ફોન સંપર્ક તૂટી જતાં લાખુબેનના ભાઈએ ફરી ફોન કર્યો હતો. આ વખતે આરોપી દેવશીએ ફોન ઉપાડી ઠંડા કલેજે જણાવ્યું હતું કે મેં લાખુને કુહાડી મારી દીધી છે. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ લાખુબેનને તાત્કાલિક ઉનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતાં જ ઉના પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે આરોપી પતિ દેવશી દાનાભાઈ બાંભણીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક લાખુબેન મજૂરી કામ કરીને પોતાના બે દીકરા અને એક દીકરીનો ઉછેર કરતા રહ્યા હતા. હવે પિતા જેલના સળિયા પાછળ ધકેલાતા અને માતાનું મૃત્યુ થતાં ત્રણેય સંતાનો અનાથ સમાન બની ગયા છે.
ઉલ્લેખનીય છે કે ઉના તાલુકામાં ચાર દિવસ પહેલાં ગત રવિવારે સીમર ગામમાં પણ ચારિત્ર્યની શંકાને લઈને પતિએ પત્નીની દસ્તા વડે હત્યા કરી હતી. આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં ભેભા ગામમાં ફરી પતિ દ્વારા પત્નીની હત્યાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભય અને ચર્ચાનો માહોલ ફેલાયો છે.
