યુદ્ધમાં ચાલાકીની ચોપાટ : 4 દેશો ઉપર ભેદી હુમલામાં કોનો હાથ?

અઝરબૈજાન, ઓમાન, તુર્કી અને સાઈપ્રસમાં શસ્ત્ર પ્રહારનું ઘૂંટાતું રહસ્ય : તમામને ઈરાન વિરૂધ્ધ કરવાનો પેંતરો ? ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે.…

અઝરબૈજાન, ઓમાન, તુર્કી અને સાઈપ્રસમાં શસ્ત્ર પ્રહારનું ઘૂંટાતું રહસ્ય : તમામને ઈરાન વિરૂધ્ધ કરવાનો પેંતરો ?

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. હવે આ યુદ્ધની જ્વાળા બીજા દેશોને પણ પોતાના ભરડામાં લઈ રહી છે. ઈઝરાયેલને અમેરિકાનો સાથ મળ્યો તો ઈરાને ખાડીમાં અમેરિકાના સાથી દેશોને પણ છોડ્યા નહીં. જો કે આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા કે અઝરબૈજાન, ઓમાન, તુર્કી, સાઈપ્રસમાં ડ્રોન અને મિસાઈલ હુમલા થયા. જેના આરોપ ઈરાન પર લાગ્યા. આ હુમલાઓ કોણે કર્યા તે રહસ્ય છે. ઈરાને આ હુમલા પોતે કર્યા હોવાનો ચોખ્ખો ઈન્કાર કરી દીધો અને કેટલીક ઘટનાઓને ફોલ્સ ફ્લેગ એટલે કે ખોટું બહાનું કાઢીને કરાયેલા હુમલા ગણાવ્યા છે. ત્યારે આ હુમલા કર્યા કોણે? આ અસમંજસવાળી ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરીએ.

અઝરબૈજાનનો એવો આરોપ છે કે તેના નખચિવાન વિસ્તારમાં એરપોર્ટ પાસે બે ડ્રોન પડ્યા. જે ઈરાનની દિશામાંથી આવ્યા હતા. આ ઘટનામાં બે નાગરિકો ઘાયલ થયા. ત્યારબાદ અઝરબૈજાને ઈરાન પર ડ્રોન હુમલાનો આરોપ લગાવ્યો. પરંતુ ઈરાનના સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફે નિવેદન બહાર પાડીને કહ્યું કે ઈરાની સેનાએ અઝરબૈજાન તરફ કોઈ ડ્રોન મોકલ્યા નથી. ઈરાને કહ્યું કે તે અઝરબૈજાનના સાર્વભૌમત્વનું સન્માન કરે છે. આ સાથે ઈરાને ઈઝરાયેલ પર આરોપ લગાવ્યો કે તે મુસ્લિમ દેશો વચ્ચે સંબંધ ખરાબ કરવા માટે કાવતરું રચે છે. ઓમાનની સરકારી એજન્સીએ કહ્યું કે દક્ષિણ ધોફર વિસ્તારમાં બે ડ્રોન અટકાવાયા. જ્યારે એક ડ્રોન સલાલાહ પોર્ટ પાસે પડ્યું. જો કે આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. કેટલા રિપોર્ટ્સમાં એવો દાવો છે કે આ હુમલો ઈરાન તરફથી થયો હોઈ શકે.

પરંતુ ઈરાને આ આરોપ ફગાવ્યો. ઈરાની સેનાના હેડક્વાર્ટરે કહ્યું કે ઓમાન તેનો મિત્ર અને પાડોશી દેશ છે. તેના પર કોઈ હુમલો થયો નથી. આ રિપોર્ટ ખોટા છે અને વિસ્તારમાં ભ્રમ ફેલાવવાની કોશિશ છે.
4 માર્ચના રોજ તુર્કીના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે નાટોની હવાઈ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમે એક બેલિસ્ટિક મિસાઈલ રોકી જે તુર્કીની હવાઈ સીમા તરફ આગળ વધી રહી હતી. ત્યારબાદ એ સવાલ ઉઠ્યો કે આ મિસાઈલ કોણે છોડી. તુર્કી તરફથી સંકેત મળ્યા કે આ મિસાઈલ ઈરાન તરફથી આવી હોઈ શકે છે. પરંતુ 5 માર્ચના રોજ ઈરાને અધિકૃત રીતે નિવેદન બહાર પાડીને કહ્યું કે તેણે તુર્કી તરફ કોઈ મિસાઈલ છોડી નથી. ઈરાને કહ્યું કે તે તુર્કીના સાર્વાભૌમત્વનું સન્માન કરે છે અને તેનો ત્યાં હુમલો કરવાનો કોઈ ઈરાદો નથી. ઈરાને આરોપોને નિરાધાર ગણાવ્યા.

2 માર્ચના રોજ સાઈપ્રસના અક્રોટિરી સ્થિત બ્રિટિશ રોયલ એરફોર્સ બેસ પર ડ્રોન હુમલો થયો. ત્યારબાદ કેટલાક રિપોર્ટ્સમાં કહેવાયું કે આ હુમલો ઈરાન સંલગ્ન હોઈ શકે છે. પંરતુ ઈરાને આ આરોપો ફગાવ્યા. ઈરાને કહ્યું કે આ ફોલ્સ પ્લેગ ઓપરેશન હોઈ શકે છે. જેનો હેતુ વિસ્તારમાં તણાવ વધારવાનો છે. 5 માર્ચના રોજ બ્રિટનના રક્ષા મંત્રાલયે પણ કહ્યું કે જે ડ્રોનનો ઉપયોગ થયો તે શાહિદ જેવા મોડલનું હતું. પરંતુ તેને ઈરાને લોન્ચ કર્યું નહતું. આથી એ સ્પષ્ટ ન થઈ શક્યું કે કોણ જવાબદાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *