શહેરના કાપોદ્રા વિસ્તારમાં આર્થિક સંકડામણમાં દંપતીના આપઘાતની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પત્નીના જન્મદિને જ પતિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. પતિના મોતના ત્રીજા દિવસે પિયરમાં રહેલી પત્નીએ પણ વિષપાન કરીને મોત વ્હાલુ કરતા બન્નેના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના નાનાસુરકા ગામનો વતની મેહુલ વઘાશિયા સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા મેહુલે ગત 8 સપ્ટેમ્બરના રોજ પોતાની પત્ની તેજસ્વીના જન્મદિને જ ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું હતુ. જે બાદ મેહુલના અંતિમ સંસ્કાર તેના વતન સ્થિત ઘરે રાખવામાં આવ્યા હતા.
બીજી તરફ પતિના મોત બાદ પત્ની તેજસ્વી પુણા આઈમાતા ચોક સ્થિત પોતાના પિયર રહેવા આવી ગઈ હતી. જ્યાં પતિના વિયોગમાં તેણે પણ ઝેરી દવા પી લીધી હતી. આ બાબતની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક તેજસ્વીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવારના અંતે તેનું મોત નીપજ્યું હતુ. પ્રાથમિક તપાસમાં મેહુલ અને તેજસ્વીના આજથી દોઢ વર્ષ પૂર્વ લગ્ન થયા હતા. તેજસ્વી ઘરેથી બ્યુટીપાર્લરનું કામ કરતી હતી. પતિના મોત બાદ આઘાતમાં સરી પડેલી તેજસ્વીએ ત્રીજા દિવસે આત્યંતિક પગલું ભરી લેતા બન્નેના પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
