રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એક પરણીતાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે. મૂળ માંગરોળના અને હાલ મુંબઈ ખાતે રહેતા આશાબેન જયભાઈ કીકડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના લગ્ન વર્ષ 2019માં જય નીતીનભાઈ કીકડીયા સાથે થયા હતા. લગ્ન બાદ આ દંપતી રાજકોટના દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાં ભાડે રહેવા આવ્યું હતું. શરૂૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ ઓગસ્ટ 2024માં એક રાત્રે પતિ અન્ય કોઈ સ્ત્રી સાથે ફોન પર વાત કરતા પકડાઈ જતાં વિવાદની શરૂૂઆત થઈ હતી.
પત્નીએ આ બાબતે પૂછપરછ કરતા પતિએ ઉદ્ધત વર્તન કરી મારઝૂડ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પતિ કોઈ અજાણી સ્ત્રીના પ્રેમમાં હોવાથી અવારનવાર પત્નીને ઢીકાપાટુનો માર મારતો અને માનસિક રીતે હેરાન કરતો હતો. આશાબેને આ અંગે પોતાના સાસુ-સસરાને પણ જાણ કરી હતી, પરંતુ તેમણે કોઈ ધ્યાન આપ્યું નહોતું. પાંચ વર્ષનો પુત્ર હોવાથી આશાબેન અત્યાર સુધી આ ત્રાસ સહન કરતા રહ્યા હતા, પરંતુ પતિના વધતા જતા અત્યાચાર અને મારઝૂડથી કંટાળીને આખરે દોઢ મહિના પહેલા તેઓ મુંબઈ ખાતે પોતાના પિતાના ઘરે રહેવા જતા રહ્યા હતા. પત્નીએ પોતાના સોના-ચાંદીના દાગીના અને ઘરવખરી પરત માંગતા સાસરી પક્ષે તે આપવાનો પણ ઈન્કાર કરી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે.
હાલમાં આશાબેનની ફરિયાદના આધારે માલવીયાનગર પોલીસે આરોપી પતિ જય નીતીનભાઈ કીકડીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 85 અને 115(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ બગડાને સોંપવામાં આવી છે. પત્નીએ આક્ષેપ કર્યો છે કે પતિ હાલ મુંદ્રા ખાતે રહેવા જતો રહ્યો છે અને ફોન પર પણ યોગ્ય જવાબ આપતો નથી.
