પાર્ક કરેલા મેટાડોર સાથે કાર ધડાકાભેર અથડાઇ: રાજકોટ રહેતા પરિવારમાં શોકનો માહોલ
ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું છે આ કહેવતને સાર્થક કરતો એક અત્યંત કરુણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત આજે જેતપુર તાલુકાના સાંકળી ગામના પાટિયા પાસે જુનાગઢ નેશનલ હાઈવે પર સર્જાયો હતો. આ અકસ્માતમાં પત્નીના અસ્થિ વિસર્જન કરીને પરત ફરી રહેલા પતિ સહિત બે સાઢુભાઈના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એકની એક માસૂમ દીકરીએ માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના જયભાઈ દિલીપભાઈ રાજદેવના પત્ની નિષ્ઠાબેનનું અવસાન થયું હતું. તેમના અસ્થિ વિસર્જન માટે જયભાઈ ગઈકાલે તેમના મોટાભાઈ વિશાલભાઈ દિલીપભાઈ રાજદેવ, તેમજ સાઢુભાઈ અભયભાઈ પ્રવીણભાઈ દવે (મુંબઈ) અને નીરવભાઈ દિલીપભાઈ ત્રિવેદી સાથે તેમની સ્વિફ્ટ કારમાં નીકળ્યા હતા. અસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ કરી આ ચારેય લોકો પરત રાજકોટ ફરી રહ્યા હતા.
સાંકળીના પાટિયા પાસે પહોંચતા, હાઈવે પર પાર્ક કરેલા એક આઈશર મેટાડોર પાછળ કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો અને ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતનો ભયાવહ બનાવ ત્યાં આવેલી એક હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જે અકસ્માતની ગંભીરતા દર્શાવે છે.અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી ચારેય લોકોને બહાર કાઢ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો. 108 મારફત જયભાઈ રાજદેવ અને તેમના ભાઈ વિશાલભાઈને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, જયભાઈ રાજદેવને સારવાર મળે તે પહેલા જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વિશાલભાઈને સામાન્ય ઇજાઓ થઈ હોવાથી તેમને સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
બીજી તરફ, તેમના સાઢુભાઈ અભયભાઈ દવે અને નીરવભાઈ ત્રિવેદીને સારવાર માટે 108 મારફત જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા. જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર મળે તે પહેલા જ અભયભાઈ દવેનું પણ મોત નીપજ્યું હતું. નીરવભાઈને ફરજ પરના ડોકટરોએ સારવાર આપી હતી.આ કરુણ ઘટના અંગે જેતપુર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા, તાલુકા પીઆઈ એ.એમ. હેરમાં સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતની જાણ મૃતકના સંબંધી રાજકોટ ખાતે રહેતા દિનેશભાઈ રાવલને કરવામાં આવી હતી.
દિનેશભાઈ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, જયભાઈ અને અભયભાઈ બંને સાઢુભાઈ હતા અને બંનેને સંતાનમાં એક-એક દીકરી છે. તેઓ પણ અસ્થિ વિસર્જન માટે સાથે જવાના હતા, પરંતુ તેમને ના કહેતા રાજકોટ રોકાઈ ગયા હતા.આ અકસ્માત એટલો કરુણ હતો કે, પત્નીના અસ્થિ વિસર્જિત કરવા જનાર પતિ જયભાઈને ક્યાં ખબર હતી કે અસ્થિ વિસર્જન બાદ તેમના પણ અસ્થિ વિસર્જિત કરવા પડશે. બંનેના આકસ્મિક મૃત્યુથી તેમના પરિવારો શોકમાં ગરકાવ થઈ ગયા છે. જયભાઈની એકની એક દીકરીએ માતા (બીમારીથી મૃત્યુ) અને પિતા (અકસ્માતમાં મૃત્યુ) બંનેની છત્રછાયા ગુમાવી દેતા, સમગ્ર પંથકમાં કરુણા અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ત્રીજા સાઢુભાઇ પણ જોડાવાના હતા, પત્નીને કામ આવી જતાં બંને ન ગયા!
અકસ્માતના સમાચાર સાંભળી રાજકોટથી જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચેલા અને મૃતક બંને સાઢુભાઈના ત્રીજા સાઢુભાઈ દીપેશભાઈ રાવલે જણાવ્યું હતું કે, તેઓ પણ અસ્થિ વિસર્જન માટે આવવાના હતા પરંતુ તેમના પત્નીને કામ આવી જતા તેઓ અસ્થિ વિસર્જનમાં જઈ શક્યા ન હતાં, જેથી તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો. બંને મૃતકો સંબંધમાં તેમના સાઢુભાઈ થાય, જ્યારે ઇજાગ્રસ્ત નિરવભાઈ ત્રિવેદી ત્રણેયનો સાળો થાય છે અને બીજા ઇજાગ્રસ્ત વિશાલભાઈ મૃતક જયભાઈના નાના ભાઈ થાય છે. બનાવની કરૂૂણતા એ છે કે બંને મૃતક સાઢુભાઈઓને સંતાનમાં એક એક દીકરી છે અને હવે એક દીકરી માતાપિતા વિહોણી જ્યારે બીજી દીકરી પિતા વિહોણી થઈ ગઈ હતી. ઘટનાના પગલે કોણ કોને આશ્વાસન આપે તેવી સ્થિતિ સર્જાઇ છે.
