મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો જનતાનો પાણીદાર મેનિફેસ્ટો
દરેક વોર્ડમાં ડિજિટલ શાળા, મફત પાર્કિંગ ઝોન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ સેન્ટર
રાજકોટ મહાનગર પાલિકાની આગામી તા.26 એપ્રિલનાં રોજ યોજાનાર ચૂંટણી માટે આજે શહેર કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ તથા અન્ય નેતાઓએ જનતા પાસેથી સલાહ સુચનો મેળવી ‘જનતાનો મેનિફેસ્ટો’ બનાવ્યાની જાહેરાત કરી હતી અને રાજકોટવાસીઓને 11 મહત્વના વાયદા કર્યા છે.
કોંગ્રેસે ઘરવેરામાં મોટી રાહત આપવા ઉપરાંત રોજ 45 મિનિટ પાણી આપવાની, પાર્કીંગ ઝોન મફત કરવાની શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યભરમાં ચલાવવામાં આવેલા ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોએ દરેક ઘર સુધી પહોંચીને શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જનતાના સીધા સૂચનો મેળવ્યા હતા, જેના આધારે આ ઐતિહાસિક મેનિફેસ્ટો તૈયાર કરાયો છે.
રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાની વચ્ચે જઈને તૈયાર કરાયેલા આ મેનિફેસ્ટો અંગે પક્ષના નેતૃત્વએ જણાવ્યું હતું કે, જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મંચ પરથી પ્રાપ્ત થયેલી ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાઓને આધારે ભાજપ સરકારના સત્તાધીશો સામે આ કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓએ ઉમેર્યું હતું કે, “આ મેનિફેસ્ટો એટલે સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય પ્રત્યેની અમારી કટિબદ્ધતા છે. કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ છે કે તેણે જ્યારે પણ જે કંઈ કહ્યું છે તે કરીને બતાવ્યું છે.
આજના આધુનિક ભારતનો પાયો કોંગ્રેસે જ નાખ્યો છે અને નગરરચનામાં કોંગ્રેસનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે. આ પત્રકાર પરિષદને શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા ઉપરાંત વશરામભાઈ સાગઠીયા, ડો.હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા, ડી.પી.મકવાણા, સુરેશભાઈ બથવાર, આદિત્યસિંહ ગોહિલ તથા અતુલ રાજાણી ઉપસ્થિત રહ્યા હતાં.
વોર્ડ નં.15ની મતદાર યાદીમાં બોગસ નામો ઘુસાડી દેવાયા : સાગઠિયા
રાજકોટ શહેરના રાજકારણમાં આજે ત્યારે ગરમાવો આવી ગયો જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ જિલ્લા કલેક્ટર સમક્ષ એક ગંભીર કૌભાંડનો પર્દાફાશ કર્યો. સાગઠિયાએ આક્ષેપ કર્યો છે કે શહેરના વોર્ડ નં. 15 માં મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે અને સત્તાધારી પક્ષના ઈશારે બોગસ મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે. વશરામભાઈ સાગઠિયાએ કલેક્ટરને સુપરત કરેલા લેખિત પત્રમાં જણાવ્યું છે કે, વોર્ડ નં. 15ના વિવિધ બૂથ વિસ્તારોમાં એવા સેંકડો લોકોના નામ મતદાર યાદીમાં નોંધાયેલા જોવા મળ્યા છે જેઓ વાસ્તવમાં તે વિસ્તારમાં રહેતા જ નથી.અનેક મતદારોના નામ એવા ઘર નંબર પર નોંધાયા છે જે ઘર અસ્તિત્વમાં જ નથી અથવા તો ત્યાં અન્ય પરિવારો વર્ષોથી રહે છે. સાગઠિયાએ કલેક્ટરને પુરાવા તરીકે અમુક એવા નામોની યાદી પણ આપી છે, જેમાં એક જ મકાન નંબર પર અસંખ્ય અજાણ્યા લોકોના નામ ચડાવી દેવામાં આવ્યા છે. આ પ્રકારની ગેરરીતિને લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયા માટે અત્યંત જોખમી ગણાવતા તેમણે આને સુઆયોજિત કાવતરું ગણાવ્યું છે. આ મામલે ત્વરિત કાર્યવાહીની માંગ કરતા વશરામભાઈ સાગઠિયાએ જણાવ્યું કે આ તમામ શંકાસ્પદ નામોની વેરિફિકેશન પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવામાં આવે. જે લોકો જે તે વિસ્તારના રહિશ ન હોય તેમના નામ મતદાર યાદીમાંથી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ કે વ્યક્તિઓ સામે કડક કાયદેસરની તપાસ કરવામાં આવે.
શહેરીજનો માટે કોંગ્રેસના મુખ્ય કમિટ્મેન્ટ્સ
1. નવા ભળેલા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજ: માધાપર, મણહરપુર-1, ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા જેવા નવા સમાવેશ કરાયેલા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજનું આયોજન કરીશું.
2. ઘરવેરો અને આવાસ: 70 વાર સુધીના મકાનો પર ઘરવેરો સંપૂર્ણ માફ કરીશું અને દસ્તાવેજ ધરાવતા રહેણાંક મકાનો માટે વેરામાં 50% સુધી રાહત આપીશું. ’પહેલા રિહેબિલીટેશન, પછી જ ડિમોલિશન’ના સિદ્ધાંતને અનુસરી વૈકલ્પિક આવાસ આપ્યા વગર ડિમોલિશન નહીં કરીએ.
3. પાણી વ્યવસ્થાપન: 15 મિનિટના પાણી વિતરણને વધારી 45 મિનિટ કરીશું. ગટર અને પીવાની લાઈનો અલગ કરી ગંદા પાણીથી મુક્તિ અપાવીશું તથા “વોટર ટાસ્ક ફોર્સ” બનાવી રાજકોટને પૂરતું પાણી આપીશું.
4. ટ્રાફિક અને પાર્કિંગ: દરેક ઝોનમાં ફ્રી પાર્કિંગ સુવિધા ઊભી કરીશું. પાર્કિંગની જગ્યાઓ દબાણમુક્ત કરી ફૂટપાથોને ફરી ચાલવાલાયક બનાવીશું.
5. સિટી બસ સેવા: બસ સેવાને સોસાયટીઓ અને નવા વિસ્તારો સુધી પહોંચાડીશું. મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનોને વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપીશું.
6. શિક્ષણ: દરેક વોર્ડમાં આધુનિક ડિજિટલ શાળા શરૂૂ કરી તેનું CBSE કે સેન્ટ્રલ બોર્ડ સાથે જોડાણ કરીશું. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ સેન્ટર અને શિક્ષણ માટે WiFi ઝોન ઊભા કરીશું.
7. રમતગમત: ઝોન પ્રમાણે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવી ફ્રી પ્રોફેશનલ કોચિંગ આપીશું. દરેક ગાર્ડનમાં નાના બાળકો માટે “ટોડલર ઝોન” હેઠળ વિશેષ સુવિધાઓ ઊભી કરીશું.
8. રિઝર્વ પ્લોટ: SC, ST, OBC અને EWS વર્ગ માટેના રિઝર્વ પ્લોટ્સને તે જ વર્ગના હિત માટે ઉપયોગમાં લઈશું.
9. મહિલા વિશેષ યોજના: મહિલાઓ માટે મહિલા કોચ ધરાવતું ફ્રી જીમ, લાઈબ્રેરી મેમ્બરશિપ અને સુરક્ષિત પિન્ક ટોઈલેટ બનાવીશું. કોર્પોરેશનની ભરતીમાં મહિલાઓને 50% પ્રાધાન્ય આપીશું.
10. આરોગ્ય સેવાઓ: દરેક વોર્ડ દીઠ 24/7 આરોગ્ય કેન્દ્રો અને નવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીશું. સિનિયર સિટિઝનને વાર્ષિક ફૂલ બોડી ચેક-અપ અને ફ્રી દવાઓ આપીશું.
11. પર્યાવરણ અને AQI: શહેરનું ગ્રીન કવર વધારવા માટે મોટા પાયે વૃક્ષારોપણ કરીશું અને હવાની ગુણવત્તા (AQI) સુધારી પ્રદૂષણનું સ્તર ઘટાડીશું.
આ ઉપરાંત, સફાઈ કામદારોની કાયમી ભરતી, લારી-ગલ્લા ધારકોને વ્યાપારિક દરજ્જો, ધાર્મિક સ્થળો માટે વિશેષ ફંડ અને પૂર્વ ઝોન માટે અલગ ટાસ્ક ફોર્સની રચના કરીશું. ભ્રષ્ટાચાર કરનારા નેતાઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ કટિબદ્ધ છે. અમારો આ મેનિફેસ્ટો એ માત્ર વચન પત્ર નથી આ અમારું જનતા સાથેનું કમિટમેન્ટ છે. જેને અમે સત્તામાં આવતા જ પૂર્ણ કરવા માટે કટિબધ્ધ છીએ.
