રાજકોટમાં ગુંડાગિરી બેફામ બની ગઈ છે જેમાં ભાવનગર રોડ પર એસટી બસમાં રીક્ષા ચાલકે નુકશાન કર્યા બાદ બસના ચાલકે નુકશાનીના પૈસા માંગતા રીક્ષા ચાલકો ઉશ્કેરાયા હતા અને બસના ચાલક સાથે માથાકૂટ કરી ફરજમાં રુકાવટ કરી હતી.આ મામલે એસ.ટી.ના ડ્રાઇવર કૃષ્ણરાજસિંહ રઘુવીરસિંહ ગોહિલ (ઉ.વ.35, રહે.હડમતાળા, તા.ઉમરાળા) ઉપર હુમલો કરી, ફરજમાં રૂૂકાવટ કર્યાની ફરિયાદ થોરાળા પોલીસમાં નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
ભૂજ ડેપોમાં કૃષ્ણરાજસિંહ નોકરી કરે છે.તેઓ વહેલી સવારે કંડકટર મહેશભાઈ ઝાપડીયા સાથે ભૂજથી ગઢડા રૂૂટની બસ લઈ નીકળ્યા હતા. રાજકોટ બસ પોર્ટથી ગઢડા જતા હતા ત્યારે ભાવનગર રોડ પર પોલિટેકનિક કોલેજની સામે સાઈડ કાપવા જતાં રિક્ષા બસમાં અથડાઈ હતી. જેથી ઈન્ડિકેટરમાં અને ડાબી બાજુના પતરામાં નુકશાની થઈ હતી. ચાલક પાસે ખર્ચ માગતા શરૂૂઆતમાં તેણે આપવાની તૈયારી બતાવી હતી.
ત્યાર પછી કોઈને કોલ કરતા બીજી રિક્ષા આવી પહોંચી હતી. બંને રિક્ષાચાલકોએ ભેગા મળી ઝઘડો કર્યો હતો. જેનો વીડિયો ઉતારવાનું શરૂૂ કરતાં મોબાઈલ પાડી દીધો હતો. એટલું જ નહી બેફામ ગાળો ભાંડી ઝપાઝપી કરી હતી. સાથો-સાથ કહ્યું કે આ રૂૂટ ઉપર નીકળવું હોય તો શાંતિથી બસ જવા દેવી પડશે. આ પછી કોલર પકડી તમાચા ઝીંકી દીધા હતા. શર્ટના બટન તોડી નાખ્યા હતા. મુસાફરો નીચે ઉતરી જતાં બંને રિક્ષાચાલકો ભાગી ગયા હતા.
તત્કાળ 112માં કોલ કરી પોલીસને જાણ કરતાં તેનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. મુસાફરોને બીજી બસમાં રવાના કર્યા બાદ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઝઘડા વખતે બંને રિક્ષાચાલકોએ એમ પણ કહ્યું કે એસ.ટી. બસમાં આવા સામાન્ય સ્ક્રેચ તો પડે, તેના માટે કોઈ ખર્ચો આપવાનો ન હોય હાલ પોલીસે રીક્ષા નંબરના આધારે બંને રિક્ષાચાલકોની શોધખોળ શરૂૂ કરી છે.
