ધાર્મિક આસ્થા, પ્રવાસન અને સામાજિક પ્રવૃત્તિઓ માટે જાણીતા ચોટીલા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ મથકના દફતરી રેકોર્ડમાં રાત્રિ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટેની કામગીરી નોંધાતી હોય, પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં નાગરિકોને અસલામતીનો અનુભવ થતો હોવાની ફરિયાદો સામે આવે તો તે બાબતને ગંભીરતાથી લેવાની જરૂૂર છે. દારૂનું નેટવર્ક, હોટલોમાં અસામાજીક પ્રવૃતિ, યાત્રાળુઓની કિંમતી ચીજ વસ્તુઓની ચોરી સહીતનું પ્રમાણ વધી ગયું છે.
નવરાત્રિ જેવા મોટા ધાર્મિક પર્વ દરમિયાન બેફામ બાઈક સ્ટંટ, જાહેર માર્ગો પર જોખમી ડ્રાઇવિંગ અને અસામાજિક તત્ત્વોની અવરજવર અંગે ઊઠતા સવાલો માત્ર ટ્રાફિક વ્યવસ્થાપન પૂરતા મર્યાદિત નથી. આવા બનાવો કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ ન આપે તે માટે પોલીસ દ્વારા અસરકારક પેટ્રોલિંગ, કડક ચેકિંગ અને નિયમભંગ કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી થવી અનિવાર્ય છે.
ચોટીલા શહેરમાં કથિત રીતે બેરોકટોક ચાલતી નશાખોરી, દેશી દારૂૂના વેચાણ અને હોમ ડિલિવરી તેમજ વરલી મટકાના ઓનલાઇન નેટવર્ક અંગે પણ નાગરિકોમાં સવાલો ઊઠી રહ્યા છે. આ આક્ષેપોની સત્યતા તપાસવી અને જો કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય તો તેની પાછળના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવું પોલીસ તંત્રની જવાબદારી છે. જો આવી પ્રવૃત્તિઓ અંગે સ્થાનિક સ્તરે વારંવાર ફરિયાદો થતી હોવા છતાં અસરકારક પરિણામ દેખાતું ન હોય, તો તેની સમીક્ષા ઉચ્ચ અધિકારીઓ દ્વારા થવી જોઈએ. ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી માત્ર છૂટક દરોડા કે દેખાવ પૂરતી ન રહે, પરંતુ તેના મૂળ સુધી પહોંચીને કાયદેસર કાર્યવાહી થાય તે જરૂૂરી છે.
પોલીસની ધાક ક્યાં ખોવાઈ રહી છે?
શહેરમાં કેટલાક લુખ્ખા તત્ત્વો, બેફામ યુવાનો અને જાહેર સ્થળોએ અશોભનીય વર્તન કરતા લોકો સામે કડક કાર્યવાહી થતી હોવાની સ્પષ્ટ અનુભૂતિ નાગરિકોને થવી જોઈએ. કાયદાનો ભંગ કરનારાઓમાં કાયદાનો ભય રહે અને સામાન્ય નાગરિકો નિર્ભયતાથી અવરજવર કરી શકે તેવી સ્થિતિ ઊભી કરવી પોલીસની પ્રાથમિક ફરજ છે. પોલીસની હાજરી હોવા છતાં જો નાગરિકોમાં અસલામતીની લાગણી રહેતી હોય, તો પેટ્રોલિંગના સ્થળો, સમય, કર્મચારીઓની જવાબદારીઓ અને કામગીરીનાં પરિણામોની સમીક્ષા જરૂૂરી બને છે. માત્ર દફતરી નોંધો નહીં, પરંતુ વાસ્તવિક પરિણામો જ પોલીસની કામગીરીનું માપદંડ બનવા જોઈએ.
હાઇવે પરની કામગીરીની સાથે શહેરની સુરક્ષા પર પણ ધ્યાન જરૂરી
પોલીસ દ્વારા હાઇવે પર વહેલી સવારથી મોડી રાત સુધી વાહન ચેકિંગ અને અન્ય કામગીરી કરવામાં આવતી હોવાની વાતો વચ્ચે શહેરના આંતરિક વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ કેટલું અસરકારક છે તે અંગે પણ પ્રશ્નો ઊઠે છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની નિયમિત હાજરી, રાત્રિના સમયે સઘન પેટ્રોલિંગ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂૂરી છે. તેવી લાગણી ચોટીલા નગરજનોની છે.
જિલ્લા પોલીસવડા અને રેન્જ આઈ.જી. સમક્ષ તપાસની માંગ
ચોટીલા શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ઊઠતા સવાલોને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા તથા રેન્જ આઈ.જી. દ્વારા સમગ્ર મામલે તટસ્થ સમીક્ષા કરવામાં આવે તેવી માંગ છે. શહેરમાં નશાના ગેરકાયદે વેપાર, દારૂૂની કથિત હોમ ડિલિવરી, ઓનલાઇન વરલી મટકાના નેટવર્ક, બેફામ બાઈક સ્ટંટ અને રાત્રિ પેટ્રોલિંગની અસરકારકતા અંગે હકીકતલક્ષી તપાસ થવી જોઈએ. શહેરના નાગરિકોનો મુખ્ય સવાલ છે કે કાગળ પર પેટ્રોલિંગ અને કામગીરીના અહેવાલો તૈયાર થતા હોય તો તેની અસર શહેરની શેરીઓમાં કેમ સ્પષ્ટ દેખાવવી ન જોઈએ? હવે દાવાઓ નહીં, પરંતુ પારદર્શક તપાસ, જવાબદારી અને દેખીતી કામગીરીની અપેક્ષા છે.
