પરાપીપળિયા પાસે હિટ એન્ડ રન, કારની ઠોકરે યુવાનનું મોત

શહેરની ભાગોળે જામનગર રોડ પર પરાપીપળીયા ફાટક પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં રસ્તો ઓળંગતા યુવાનને અજાણ્યો કાર ચાલક હડફેટે લઈ ફરાર…

શહેરની ભાગોળે જામનગર રોડ પર પરાપીપળીયા ફાટક પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં રસ્તો ઓળંગતા યુવાનને અજાણ્યો કાર ચાલક હડફેટે લઈ ફરાર થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

મુળ બોટાદના રાણપુરના વતની અને હાલ પરાપીપળીયા ફાટક પાસે ઝુંપડપટ્ટીમાં રહેતાં રાજુભાઈ ચંદુભાઈ રાઠોડ (ઉ.45) આજે બપોરે પરાપીપળીયા ફાટક પાસે રસ્તો ઓળંગતા હતાં ત્યારે પુરપાટ ઝડપે આવતાં અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રાજુભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક રાજુભાઈ ચાર ભાઈ નવ બહેનમાં મોટા અને જુના કપડાનો ધંધો કરતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *