શહેરના રેલનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં સંતોષીનગરમાં રહેતા બાઇક લઇ ઘરે આવતો હતો ત્યારે અજાણયો બાઇક ચાલક અકસ્માત સર્જી નાશી છૂટતા ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનુ મોત નીપજ્યુ હતું. આ અંગે પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલા સંતોષીનગરમાં રહેતો ભૂપત ચનાભાઇ ટોયટા (ઉ.વ.40)નામનો યુવાન ગઇકાલે રાત્રે પોતાનુ બાઇક લઇ જતો હતો ત્યારે રેલનગર મેઇન રોડ પર અજાણયા બાઇક ચાલકે તેના બાઇક સાથે અકસ્માત સર્જી નાશી છૂટ્યો હતો. આ અકસ્માતમાં ભૂપતભાઇને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહી તેનુ ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણભાઇ બે બહેનમાં વચેટ અને ગાડી ઉતારવાનુ કામ કરતો હતો. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. ગઇકાલે રાત્રે તે કામ ઉપરથી ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં જ અકસ્માત સર્જાતા કાળ ભેટી જતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
આ અંગે પ્રનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી નાશી છુટેલા અજાણ્યા બાઈક ચાલકની ઓળખ મેળવવા અને તેને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
