કોરોનામાં સરકારે આપેલી બે 108 અને એક એમ્બ્યુલન્સ કમ્પાઉન્ડમાં જ સડી ગઇ
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં માત્ર બે એમ્બ્યુલન્સ, એક અડધિયું અને એક જ શબવાહિની
બ્લડની કાયમી તંગી વચ્ચે મોબાઇલ બ્લડ ડોનેશન વાન બંધ હોવાથી નાના બ્લડ ડોનેશન કેમ્પો બંધ
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને આધુનિક ગણાતી રાજકોટની પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલમા તબીબોની ખાલી જગ્યા અને ટેકનિકલ સ્ટાફના અભાવે આધુનિક સાધનો શોભાના ગાંઠિયા જેવા બની રહયા છે. ત્યારે આટલી મોટી હોસ્પિટલમા એમ્બ્યુલન્સ અને બ્લડ ડોનેશન વાન જેવી પ્રાથમિક સુવિધાઓ પણ બિસ્માર હાલતમા હોવાની ગંભીર બાબતો બહાર આવી છે. હોસ્પિટલમા દર્દીઓની સેવા માટે રાજય સરકાર કરોડો રૂપિયા વાપર છે પરંતુ સુચારૂ વહિવટ અને સંચાલનના અભાવના કારણે અનેક સુવિધાઓ અસુવિધામા ફેરવાઇ ગઇ છે. છાશવારે હોસ્પિટલની મુલાકાત લઇ ફોટોસેશન કરતા ધારાસભ્યો, પ્રધાનો અને સંસદ સભ્યોને પણ નરી આંખે દેખાતી આ પ્રાથમિક અસુવિધાઓ દેખાતી નથી.
સિવિલ હોસ્પિટલમા સૌરાષ્ટ્રભરમાંથી આવતા દર્દીઓના કારણે બ્લડની કાયમ તંગી રહે છે અને અવાર નવાર બ્લડ ડોનેશન માટે અપીલો કરવામાં આવે છે. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ સિવિલ હોસ્પિટલ પાસે મોબાઇલ બ્લડ ડોનેશન વાન હોવા છતાં છેલ્લા અઢી માસથી માત્ર ટાયરના વાંકે આ બ્લડ ડોનેશન વાન બંધ પડયુ છે. જેના કારણે સિવિલ હોસ્પિટલના લાભાર્થે યોજાતા નાના બ્લડ ડોનેશન કેમ્પ યોજી શકાતા નથી અને સિવિલમા સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને લોહીની જરૂર હોય તો ખાનગી બ્લડ બેંકોમાંથી બ્લડ લેવાની ફરજ પડી રહી છે. આ મોબાઇલ બ્લડ ડોનેશન વાનમા 6 ટાયર બદલવામા નહીં આવતા અઢી માસથી કમ્પાઉન્ડમાં પડયુ ધુળ ખાઇ રહયુ છે.
આવી સ્થિતિ એમ્બ્યુલન્સ નં. જીજે 03 જી 1988ની છે. આ એમ્બ્યુલન્સમા 4 ટાયર પતી ગયા હોવાથી છેલ્લા બે વર્ષથી ટાયર બદલવાની હોસ્પિટલના સત્તાવાળાઓએ તસ્દી લીધી નથી. તેના કારણે હોસ્પિટલના કમ્પાઉન્ડમા બે વર્ષથી એમ્બ્યુલન્સ ધુળ ખાઇ રહી છે અને ક્ધડમ હાલતમા ફેરવાઇ ગઇ છે. આ એમ્બ્યુલન્સના એન્જીન સહિત તમામ પાર્ટસ કામ કરી રહયા છે. પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓ માત્ર 4 ટાયર બદલી શકતા નથી. તેના કારણે લોકોની સુવિધા છીનવાઇ રહી છે.
આ ઉપરાંત કોરોનાકાળમા સરકાર દ્વારા આપવામા આવેલી બે 108 એમ્બ્યુલન્સ પણ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમા લાંબા સમયથી બિનઉપયોગી હાલતમા પડી છે અને તેના કારણે બંને 108 એમ્બ્યુલન્સ ભંગારમા ફેરવાઇ ગઇ છે.
આ બંને 108ની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે હવે ભંગારમા વેંચવા સિવાઇ તંત્ર પાસે કોઇ રસ્તો રહયો નથી. 108ની અંદર પ્રવેશતા જ બંને એમ્બ્યુલન્સના પતરા સડી ગયા હોવાથી અંદર પ્રવેશનારના પગ પણ પતરા ચીરીને સોસરવા નિકળી જાય છે. આ સિવાય હોસ્પિટલના કમ્પાઉન્ડમા પડેલી જીજે 18 જીએ 3190 નંબરની એમ્બ્યુલન્સ પણ ક્ધડમ થઇ ગઇ છે અને તેને પણ ચાલુ કરવાના બદલે ભંગારમા વેંચવી પડે તેવી સ્થિતિમા જોવા મળે છે.
આમ સિવિલ હોસ્પિટલમા આધુનિક સાધનો હોવા છતાં દર્દીઓને લાવવા – મુકવા માટે અત્યંત મહત્વની એવી એમ્બ્યુલન્સની જ પુરતી સુવિધા નથી અને હોસ્પિટલમા પાયાની સુવિધા બિસ્માર હાલતમા હોય તેવી સ્થિતિ છે. હાલ આટલી મોટી હોસ્પિટલ પાસે માત્ર બે એમ્બ્યુલન્સ અને એક અડધીયુ (છોટા હાથી) તેમજ માત્ર એક શબવાહિની ઉપલબ્ધ છે. રોગચાળાની સિઝનમા સિવિલ હોસ્પિટલમા દરરોજ સરેરાશ 800 થી 1000 દર્દીઓ સારવાર માટે આવે છે અને હોસ્પિટલના ઓપીડી વિભાગની લોબીમા પગ મુકવાની પણ જગ્યા રહેતી નથી. આવી સ્થિતિમા કોઇ અશકત કે વૃદ્ધ દર્દીને સિવિલ હોસ્પિટલે જવુ હોય તો એમ્બ્યુલન્સના અભાવે ખાનગી વાહનો ફરજીયાત ભાડે કરીને જવુ પડે છે.
ગરીબ દર્દીઓને એમ્બ્યુલન્સ અને શબવાહિની ભાડે કરવા પડતી ફરજ
રાજકોટની સિવિલ હોસ્પિટલમા હાલ જે પ્રમાણમા દર્દીઓનો ધસારો થઇ રહયો છે તેના પ્રમાણમાં ઓછામાં ઓછી 6 એમ્બ્યુલન્સ અને બે શબવાહિનીની જરૂરિયાત છે. પરંતુ તેની સામે માત્ર બે એમ્બ્યુલન્સ અને 1 શબવાહિની જ ઉપલબ્ધ હોવાથી ગરીબ દર્દીઓની હાલત કફોડી થઇ જાય છે. જે દર્દીઓ ખાનગી હોસ્પિટલમા તગડી ફી ખર્ચીને સારવાર કરાવી શકતા નથી તેવા ગરીબ દર્દીઓ જ સિવિલ હોસ્પિટલમા સારવાર માટે આવતા હોય છે. પરંતુ એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાથી ગરીબ દર્દીઓને ફરજીયાત ઉંચા ભાડાની ખાનગી એમ્બ્યુલન્સો ભાડે કરવી પડે છે. આ જ રીતે કોઇ દર્દીનુ અવસાન થાય તો તેનો મૃતદેહ ઘર સુધી પહોંચાડવા માટે માત્ર સિવિલ હોસ્પિટલ પાસે એક જ શબવાહિની છે જેના કારણે એક શબવાહિની કોઇ શબ લઇને દુરના વિસ્તારોમા ગઇ હોય તો દર્દીઓના સગા વ્હાલાઓએ પોતાના સ્વજનનો મૃતદેહ ખાનગી શબવાહિની ભાડે કરીને ઘર સુધી લઇ જવું પડે છે. આટલી ખરાબ સ્થિતિ હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં છાશવારે ચેકીંગ અને રાઉન્ડના નામે ફોટા પડાવતા નેતાઓનુ આ તરફ ધ્યાન જતુ નથી તે બાબત પણ પીડાજનક છે.
