આઇપીએલ-2026ના પ્રારંભ પહેલા બે ટીમ માતબર રકમ સાથે વેચાતા ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા ચાલી રહી છે. જેમાં રાજસ્થાન રોયલ્સ 1.63 અબજ અમેરિકી ડોલર એટલે કે 15300 કરોડમાં જયારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ 16896 કરોડના રેકોર્ડ ભાવે ખરીદવામાં આવી છે.
તાજેતરમાં જ રાજસ્થાન રોયલ્સે સૌથી મોંઘી ટીમ બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ હવે ગત વર્ષની (2025 ની) ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે. અબજોપતિ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના નેતૃત્વવાળા ’આદિત્ય બિરલા ગ્રુપ’ અને અન્ય રોકાણકારોના ક્ધસોર્ટિયમે 1.8 બિલિયન ડોલર એટલે કે આશરે 16896 કરોડ રૂૂપિયાની રેકોર્ડ-બ્રેકિંગ ડીલમાં RCB ને ખરીદી લીધી છે. આ સાથે જ RCB હવે IPL ના 18 વર્ષના સમૃદ્ધ ઈતિહાસમાં વેચાયેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી બની ગઈ છે.
આ ઐતિહાસિક ડીલમાં માત્ર આદિત્ય બિરલા ગ્રુપ જ એકલું નથી. આ ક્ધસોર્ટિયમ (ગ્રુપ) માં અમેરિકાના જાણીતા સ્પોર્ટ્સ રોકાણકાર ડેવિડ બ્લિટ્ઝર, યુએસ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ ’બ્લેકસ્ટોન’ અને ભારતની પ્રખ્યાત મીડિયા કંપની ’ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ નો પણ સમાવેશ થાય છે. આ અગાઉ, કાલ સોમાણીની આગેવાનીવાળા ગ્રુપે 1.63 બિલિયન ડોલર (લગભગ 15300 કરોડ રૂૂપિયા) માં રાજસ્થાન રોયલ્સ ખરીદી હતી, પરંતુ RCB ની 1.8 બિલિયન ડોલરની ડીલે તે રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
વર્ષ 2008ની ઓપનિંગ સિઝનની આઈપીએલ ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સને અમેરિકાના બિઝનેસમેન કાલ સોમાનીએ ખરીદી લીધી છે. આ ડીલ 1.63 અબજ અમેરિકી ડોલર એટલે કે લગભગ 15300 કરોડ રૂૂપિયામાં થઈ છે. સોમાનીને વોલમાર્ટ પરિવારના અમેરિકી વેપારી રોબ વાલ્ટન અને હેમ્પ પરિવારનો સપોર્ટ છે.
ગત વર્ષે ટોરેન્ટ ગ્રુપે સીવીસી કેપિટલ પાર્ટનર્સ પાસેથી ગુજરાત ટાઈટન્સમાં 67 ટકા બહુમત ભાગીદારી લગભગ 5025 કરોડ રૂૂપિયામાં મેળવી હતી. જેનાથી ફ્રેન્ચાઈઝીનું મૂલ્ય લગભગ 7500 કરોડ રૂૂપિયા થઈ ગઈ. સીવીસી કેપિટલે 2021માં 5625 કરોડ રૂૂપિયામાં ટીમનું અધિગ્રહણ કર્યા બાદ પોતાની 33 ટકા ભાગીદારી જાળવી રાખી હતી.
કોણ છે કાલ સોમાની?
કાલ સોમાની મુખ્યત્વે એક પછી એક સફળ કંપનીઓ ઊભી કરનારા બિઝનેસમેન છે. જેમનો અમેરિકી ટેક જગતમાં ખૂબ જ ગાઢ પ્રભાવ છે. તેમની પકડ ડેટા પ્રાઈવેસી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગવર્નન્સ, એડ ટેક અને સ્પોર્ટ્સ ટેકનોલોજી જેવા કેટલાય આધુનિક ક્ષેત્રોમાં પણ છે. કાલ સોમાનીIntraEdge, Truyo અને Academian જેવી મોટી ગ્લોબલ કંપનીઓના સંસ્થાપક છે. કાલ સોમાની 2021થી જ રાજસ્થાન રોયલ્સ સાથે એક રોકાણકાર તરીકે જોડાયેલા છે. તેમણે ત્યારે જ કહી દીધું હતું કે આઈપીએલમાં આગળ વધવાની જબરદસ્ત સંભાવના છે અને તે આ લીગના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
2026ની સિઝન બાદ સંભાળશે વહીવટ
જોકે બિરલા પરિવાર દ્વારા કોઈ સ્પોર્ટ્સ ટીમ ખરીદવાનો આ પહેલો કિસ્સો છે, પરંતુ તેમની સાથે જોડાયેલા અમેરિકન ઉદ્યોગપતિ ડેવિડ બ્લિટ્ઝર રમતગમત ક્ષેત્રે બહુ મોટું નામ છે. તેઓ NBA, NHLઅને ઈંગ્લિશ પ્રીમિયર લીગ (EPL) જેવી લીગની ઘણી વિદેશી ટીમોમાં પહેલેથી જ મોટો હિસ્સો ધરાવે છે. એવી અપેક્ષા છે કે આ નવું માલિકી જૂથ 2026 ની IPL સિઝન પૂરી થયા પછી ફ્રેન્ચાઇઝીનો સંપૂર્ણ વહીવટ પોતાના હાથમાં લેશે. IPL ની 19મી સિઝન 28 માર્ચથી 31 મે સુધી રમાવાની છે, જ્યાં 2025 માં પહેલી વાર ટ્રોફી જીતનાર RCB પોતાનું ટાઈટલ બચાવવાના મજબૂત ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
