કેટરિંગમાં સાથે કામ કરતી સગીરાને લઈ જઈ મહિલા સહિત ત્રણ સહકામદારોએ કૃત્ય કર્યું’તું
કેટરિંગમાં સાથે કામ કરતી સગીરા ઉપર દુષ્કર્મના મોરબી પંથકના આઠ વર્ષ પહેલાના ચકચારી કેસમાં ટ્રાયલ કોર્ટે મહિલા સહિત ત્રણ સહ કામદારોને ફટકારેલી સજાના હુકમો સામેની અપીલમાં હાઇકોર્ટે બે આરોપી સામેની સજાનો હુકમ મોકૂફ રાખી બંને આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, મોરબી મુકામે કાંતિભાઈ ડાભી, જીવરાજભાઈ પરમાર, ભારતીબેન અને ભોગ બનનાર સગીરા કેટરિંગમાં સાથે કામ કરવા જતા હતા. ત્યારે ભોગ બનનાર સગીરા સાથે કાંતિભાઈ અવારનવાર ફરવા જતા હતા. તા.24-5-2017ના રોજ ભોગ બનનારને ભારતીબેન રામજીભાઈ હડિયલ પોતાની સાથે કેટરિંગના કામે જવાનું કહીને તેમના ઘરેથી લઈ ગયા હતા. પછી ત્યાંથી જીવરાજભાઈ અને કાંતિભાઈ પણ વચ્ચેથી તેઓની સાથે જોડાયા હતા. સગીરાને ચોટીલા લઈ ગયા બાદ બીજા દિવસે ઘરે પરત મૂકી ગયા હતા. જીવરાજભાઈ અને ભારતીબેને ભોગ બનનારને નસ્ત્રતું અમારી ખોટી વાતો કેમ કરે છે એમ કહીને ઢીકાપાટુનો માર મારેલ અને કાંતિભાઈએ ચોટીલા લઈ જઈને ભોગ બનનાર ઉપર બળજબરીથી દુષ્કર્મ કરેલ હોવાની ફરિયાદ ભોગ બનનારના પિતાએ તારીખ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
જે અંતર્ગત પોલીસે કાંતિભાઈ ડાભી, જીવરાજભાઈ પરમાર અને ભારતીબેન હડિયલ વિરુદ્ધ અપહરણ, ધાક-ધમકી, મારામારી, બળાત્કાર તથા પોકસો એક્ટ હેઠળના આરોપો સંબંધેની ધરપકડ કરી હતી. જે કેસમાં મોરબીની સ્પે. પોક્સો કોર્ટે આરોપી કાંતિભાઈ ડાભીને દુષ્કર્મ અને અન્ય ગુનાઓમાં 20 વર્ષની સજા તેમજ જીવરાજભાઈ અને ભારતીબેનને ધાક-ધમકી અને મારામારીના ગુનામાં પાંચ-પાંચ વર્ષની સજા ફરમાવી હતી. જે સજાના હુકમ સામે કાંતિભાઈ ડાભી તથા જીવરાજભાઈ પરમારે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલી જતા હાઇકોર્ટે મુખ્ય આરોપી કાંતિભાઈ ડાભી અને જીવરાજભાઈ પરમાર સામેની સજાનો હુકમ મોકૂફ રાખી જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો હતો.
આ કેસમા બંને આરોપીઓ વતી હાઇકોર્ટના વકીલ જીગ્નેશ હજારે અને રાજકોટના ધારાશાસ્ત્રી રાજેશ ચાવડા રોકાયા હતા.
