ઉમરગામ મામલતદારના આપઘાતની તપાસ હાઇકોર્ટ પાસે કરાવો: ગોહિલ

સત્તાધારી ભાજપના મોટા માથા દ્વારા સતત દબાણ હેઠળ મામલતદારે આપઘાત કર્યાનો આરોપ: સીસીટીવી તેમજ કોલ ડીટેલ ચકાસવા માંગ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી વચ્ચે એક…

સત્તાધારી ભાજપના મોટા માથા દ્વારા સતત દબાણ હેઠળ મામલતદારે આપઘાત કર્યાનો આરોપ: સીસીટીવી તેમજ કોલ ડીટેલ ચકાસવા માંગ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉમરગામ તાલુકાના મામલતદાર અને ચૂંટણી અધિકારી ડી.સી. બ્રહ્માંકછ (દલપતભાઈ છોટુભાઈ બ્રહ્માંકછ)એ સોમવારે રાત્રે ઉમરગામ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન સામે ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્રહ્માંકછ ધરમપુર તાલુકાના શેરીમલ ગામના વતની હતા અને તેઓ એકલા રહેતા હતા. ઘટના રાત્રે લગભગ 11:40 વાગ્યે બની હતી, જ્યારે તેઓ ઘરેથી રેલ્વે ટ્રેક પર આવ્યા અને આવતી ટ્રેન સામે કૂદી પડ્યા હતા.

આ ઘટના સ્થાનિક વહીવટી અને રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મામલે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, “ચૂંટણી કામગીરી દરમિયાન વિરોધ પક્ષના ઉમેદવારોના નામાંકન ફોર્મ રદ્દ કરવા માટે સત્તાધારી ભાજપના મોટા નેતાઓ દ્વારા મામલતદાર પર સતત દબાણ કરવામાં આવ્યું હતું.”

ગોહિલે વધુમાં જણાવ્યું કે, નામાંકન ફોર્મની ચકાસણી વખતે મામલતદારે નીતિમત્તા દર્શાવી હતી, પરંતુ દબાણ એટલું વધી ગયું કે તેઓ આત્મહત્યા જેવું પગલું ભરવા મજબૂર બન્યા. તેમણે હાઈકોર્ટના સીટિંગ જજ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરાવવાની માંગ કરી છે અને ફોન કોલ ડેટા તેમજ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. સ્થાનિક સ્તરે પણ આ ઘટના અંગે આઘાત વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મામલતદાર ચૂંટણી કામગીરીમાં રાત-દિવસ વ્યસ્ત રહેતા હતા અને જાહેર મંચો પર આપઘાત વિરુદ્ધ જાગૃતિ ફેલાવતા હતા.

તેમ છતાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. પોલીસ તપાસમાં હજુ સુધી આપઘાતનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, પરંતુ નામાંકન ફોર્મની ચકાસણી દરમિયાનના તણાવને કારણે આ ઘટના બની હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 26 એપ્રિલે યોજાવાની છે, જેમાં નામાકન પ્રક્રિયા હાલમાં ચાલુ છે. વહીવટી અધિકારીઓ અને રાજકીય પક્ષો વચ્ચેના સંબંધો અને ચૂંટણી કામગીરી દરમિયાનના દબાણ અંગેના આરોપો વધુ તીવ્ર બન્યા છે. આ મામલે વધુ તપાસ થાય અને સત્ય સામે આવે તેવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *