સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ અમદાવાદના રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. અમદાવાદની રામોલ બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર બીના મોદીએ ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. બીના મોદીનો દાવો છે કે તેમને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે લાખો રૂૂપિયાની ઓફર અને સતત દબાણ કરવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ ઉમેદવાર બીના મોદીએ ચોંકાવનારો આક્ષેપ કરતા જણાવ્યું કે, ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ તેમને 25 લાખ આપવાની ઓફર કરી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, માત્ર નાણાંની લાલચ જ નહીં પરંતુ ઉમેદવારી પરત ખેંચવા માટે તેમના પર સતત માનસિક દબાણ પણ ઉભું કરવામાં આવી રહ્યું છે.
આટલા દબાણ અને ઓફર છતાં બીના મોદીએ મક્કમતા દર્શાવતા જાહેર કર્યું છે કે, તેઓ કોઈપણ સંજોગોમાં પોતાની ઉમેદવારી પરત લેવાના નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હું છેલ્લે સુધી લડીશ અને જનતાની અદાલતમાં ન્યાય માંગીશ.” આ આક્ષેપો બાદ રામોલના રાજકારણમાં ભારે હોબાળો મચ્યો છે. જોકે, આ બાબતે મૌલિક પટેલ કે ભાજપ પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
