ગુજરાતમાં ફરી માવઠું ત્રાટકયું, લગ્ન પ્રસંગો બગડયા

સુરત-છોટાઉદેપુર-અંકલેશ્ર્વરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ, 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન પહેલા વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. આજે વહેલી…

સુરત-છોટાઉદેપુર-અંકલેશ્ર્વરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ, 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી

શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન પહેલા વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. આજે વહેલી સવારથી સુરત, છોટા ઉદેપુર, અંકલેશ્ર્વર સહિતના વિસ્તારમાં માવઠુ ત્રાટકતાં ખેતપેદાશો ઉપર જોખમની સાથોસાથ લગ્નની સિઝન હોવાથી લોકો પણ પરેશાન થઈ રહ્યાં છે અને અનેક સ્થળે ચાલુ લગ્ન પ્રસંગોમાં વિક્ષેપ પડયો હતો.

અંકલેશ્ર્વર-છોટાઉદેપુર અને સુરતમાં માવઠાની આગાહી વચ્ચે આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઝાપટાં પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂૂ થતાં લગ્નપ્રસંગોમાં અડચણ ઊભી થઈ છે. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. લગ્નની સીઝન ફૂલ જોશમાં ચાલતી હોવાથી, ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા લગ્ન મંડપ અને શણગાર પલળી ગયા છે. વરસાદી ઝાપટાંને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ઠંડીનું જોર પણ વધ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી કેટલાક દિવસોમાં આશરે 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન આગામી 2 દિવસમાં 2થી 3 ડિગ્રીનો ક્રમશ: વધારો જોવા મળી શકે છે.

વલસાડ જિલ્લો હાફુસ કેરીનું હબ ગણાય છે. હાલમાં આંબા વાડીઓમાં મોર (આમ્રમંજરી) ખીલી ઉઠ્યા છે અને કેરીના ફળ બેસવાની મહત્વની પ્રક્રિયા ચાલી રહી છે. આવા સમયે અચાનક આવેલા ગાઢ ધુમ્મસ અને માવઠાના કારણે ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કૃષિ નિષ્ણાતોના મતે, ગાઢ ધુમ્મસને કારણે મોર પર જીવાત પડવાની અથવા મોર ખરી જવાની શક્યતા વધી જાય છે. જો વાતાવરણ આવું જ રહ્યું તો ખેડૂતોએ મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કરવાની ફરજ પડશે, જે તેમના આર્થિક ભારણમાં વધારો કરશે.

અચાનક બદલાયેલા આ મિશ્ર વાતાવરણે ’શિયાળો વિદાય લેતા લેતા પોતાની હાજરી પુરાવી હોય’ તેવો અહેસાસ કરાવ્યો છે. જોકે, આ આહલાદક ઠંડક સામાન્ય લોકો માટે આનંદદાયક છે, પણ ખેતી માટે આફત સમાન સાબિત થઈ શકે છે.

3 સિસ્ટમ સક્રિય: હવામાન વિભાગ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતના વાતાવરણમાં એકસાથે ત્રણ સિસ્ટમો સક્રિય થઈ છે, જે ખૂબ જ દુર્લભ ઘટના ગણાય છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ – આ ત્રણેય પરિબળોને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનોની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે અને આકાશ વાદળછાયું રહેશે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે 19 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી દરમિયાન હવામાન ફરી સૂકું થઈ જશે, જેનાથી લાંબા ગાળે રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *