લાંબા સમયની રજૂઆતો બાદ સરકારનું જાહેરનામું
જૂનાગઢ શહેરમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી સ્થાનિકોની રજૂઆતો અને માંગણીઓનો આખરે સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ, જોષીપુરા વિસ્તારની 18 જેટલી સોસાયટીઓને ’અશાંત ધારો’ હેઠળ આવરી લેવામાં આવી છે. જૂનાગઢના વિસ્તારોને 18 ફેબ્રુઆરી 2026થી 17 ફેબ્રુઆરી 2031 સુધી (5 વર્ષ માટે) અશાંત વિસ્તાર જાહેર કરાયા છે.
અગાઉ જૂનાગઢના આ અલગ-અલગ વિસ્તારના રહીશો દ્વારા એકજૂથ થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સ્થાનિકોની રજૂઆત હતી કે વસ્તીના જનસાંખ્યિક ફેરફારો અને મિલકતોની બિનઅધિકૃત તબદીલીને કારણે સામાજિક તાણાવાણા પર અસર પડી રહી છે. લોકોએ અગાઉ અનેકવાર ઉચ્ચસ્તરે રજૂઆતો કરી ’અશાંત ધારો’ લાગુ કરવાની માંગ કરી હતી, જેનો હવે અમલ થતા રહીશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
આ કાયદો અમલમાં આવતાની સાથે જ હવે આ વિસ્તારોમાં સ્થાવર મિલકત, ઘર, દુકાન કે જમીનની તબદીલી એટલે કે વેચાણ કે ભાડે આપવાની પ્રક્રિયા સીધી રીતે થઈ શકશે નહીં. મિલકત વેચનાર અને ખરીદનાર બંનેએ ફરજિયાતપણે ’સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (જઉખ), જૂનાગઢ’ની પૂર્વ મંજૂરી લેવી પડશે. જો મંજૂરી વિના કોઈ દસ્તાવેજ કરવામાં આવશે તો તે કાયદેસર રીતે માન્ય ગણાશે નહીં.
ખામધ્રોળ વિસ્તાર
હેમાવન સોસાયટી, રાજમોતી સોસાયટી, પ્રેરણાધામ-1-2, કલાપીનગર, પુનમ પાર્ક, સુદર્શન પાર્ક, શ્યામલ પાર્ક, ક્રિષ્ના પાર્ક, દ્વારકેશનગર, ગોકુલધામ સોસાયટી, અર્જુન પાર્ક સોસાયટી, ખોડીયારનગર, રીવર વિલા સોસાયટી
જોષીપુરા વિસ્તાર
સર્વોદય સોસાયટી, આદિત્યનગર, નંદનવન સોસાયટી, અમૃતકલા સોસાયટી, ભગીરથ ડુપ્લેક્ષ
