રાજકોટમાં પ્રૌઢ અને આધેડ, કાલાવડના નિકાવામાં આધેડ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત
રાજકોટ સહિત રાજ્ય ભરમાં હાર્ટએટેકના કેસનુ પ્રમાણ દિનપ્રતિદીન વધી રહ્યું છે. ત્યારે વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. જેમાં રાજકોટમાં પ્રૌઢ અને આધેડ કલાવડના નિકાવામાં આધેડનુ હાર્ટએટેકથી મોત થયુ હતુ.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં સંત કબીર રોડ ઉપર આવેલ રાજારામ સોસાયટીમાં રહેતા બલભદ્રસિંહ તોગુભા ઝાલા નામના 45 વર્ષના પ્રૌઢ રાત્રીના પોણા બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો બલભદ્રસિંહ ઝાલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે પ્રૌઢનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. મૃતક પ્રૌઢને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે અને તેઓ બે ભાઈ એક બહેનમાં મોટા હતા.
બીજા બનાવમાં રાજકોટમાં અંકુર વિદ્યાલય મેઇન રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા ગણપતભાઈ મોહનભાઈ સંચાણીયા નામના 58 વર્ષના આધેડ ગોકુલનગર મેન રોડ ઉપર ગોપી બોક્સ કારખાનામાં હતા ત્યારે હદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં આધેડ એક ભાઈ એક બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા દિનેશભાઈ પરસોતમભાઈ અકબરી નામના 52 વર્ષના આધેડ બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ ત્રણ બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
