ઘરવાપસી અંગેના RSS વડાના નિવેદન પર જમિયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મૌલાના મદનીના પ્રત્યાઘાત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવત દ્વારા તાજેતરમાં મુસ્લિમોની ’ઘરવાપસી’ અને વસ્તી અંગે આપવામાં આવેલા નિવેદન બાદ દેશના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ મુદ્દે જમિયત ઉલેમા એ હિન્દના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ બુધવારે (18 ફેબ્રુઆરી 2026) માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એકસ પર પોતાની કડક પ્રતિક્રિયા આપી છે.
ભારતની બિનસાંપ્રદાયિકતા અને લઘુમતીઓના અધિકારોના રક્ષણની વાત કરતા તેમણે ભાગવતના નિવેદનનો સખત વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે આ બંને સંગઠનો વચ્ચેનો વૈચારિક ટકરાવ વધુ સપાટી પર આવ્યો છે.
જમિયત પ્રમુખ મૌલાના અરશદ મદનીએ RSS વડાના નિવેદનને સાંપ્રદાયિક ગણાવતા જણાવ્યું હતું કે તેમની સંસ્થા શરૂૂઆતથી જ આવી વિચારધારાઓની કટ્ટર વિરોધી રહી છે. તેમણે સોશિયલ મીડિયા પર આકરા શબ્દોમાં લખ્યું કે, ભારતની આઝાદીના 70 વર્ષના ઇતિહાસમાં જે વાતો ક્યારેય બોલવામાં નહોતી આવી, તે આજે ખુલ્લેઆમ કહેવામાં આવી રહી છે કે 200 મિલિયન (20 કરોડ) મુસ્લિમોને ફરીથી તેમના મૂળ ધર્મમાં પાછા લાવવામાં આવશે.
મદનીએ કટાક્ષ કરતા પ્રશ્ન કર્યો કે, શું માત્ર તેમણે જ તેમની માતાનું દૂધ પીધું છે અને દેશના અન્ય નાગરિકોએ નહીં? તેમના મતે, જે અવાજો દેશને વિનાશ અને પરસ્પર દુશ્મનાવટ તરફ ધકેલી રહ્યા છે, તેને દેશભક્તિ કે દેશ પ્રત્યેની વફાદારીનો અવાજ બિલકુલ માની શકાય નહીં.
દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા મૌલાના મદનીએ આક્ષેપ કર્યો હતો કે હાલ દેશમાં નફરતની આગ ભડકાવવામાં આવી રહી છે અને હિંસાનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. તેમણે કથિત મોબ લિંચિંગ અને ગૌરક્ષાના નામે થતી હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, છતાં સરકાર આ ગંભીર મુદ્દાઓ પર મૌન સેવી રહી છે.
મદનીએ સ્પષ્ટ કર્યું કે એવો દાવો કરવો કે આ દેશમાં માત્ર એક જ ચોક્કસ વિચારધારા ધરાવતા લોકો રહી શકશે, તે સીધી રીતે ભારતના બંધારણનું ખુલ્લું ઉલ્લંઘન છે. આ પ્રકારની માનસિકતા દેશની એકતા, અખંડિતતા અને શાંતિ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
ધર્મના નામે થતી કોઈપણ પ્રકારની હિંસાને વખોડતા મૌલાનાએ વધુમાં ઉમેર્યું કે દુનિયાના તમામ ધર્મો હંમેશા માનવતા, પ્રેમ અને ભાઈચારાનો જ સંદેશ આપે છે. જે લોકો પોતાના સ્વાર્થ કે નફરત ફેલાવવા માટે ધર્મનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે, તેઓ ક્યારેય તે ધર્મના સાચા અનુયાયી હોઈ જ ન શકે.
તેમણે ઐતિહાસિક સંદર્ભ આપતા ચેતવણીના સૂરમાં કહ્યું કે મુસ્લિમો પોતાના ધર્મ અને ઈમાન સાથે જીવતા આવ્યા છે અને કયામત સુધી જીવતા રહેશે. જેમણે પણ ભૂતકાળમાં મુસ્લિમોને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે, તેઓ પોતે જ નાશ પામ્યા છે અને ઇતિહાસના પાનાઓમાંથી ભૂંસાઈ ગયા છે. અંતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં સાચી શાંતિ અને પરસ્પર સંવાદિતા માત્ર અને માત્ર ધર્મનિરપેક્ષ બંધારણની છત્રછાયા હેઠળ જ શક્ય છે, અને તમામ નાગરિકોએ તેનું સન્માન કરવું જોઈએ.
