9100 પરિવારોનો સરવે પૂર્ણ, કેશડોલની ચૂકવણી માટે આખી રાત કચેરીઓ ચાલુ રહી, 2000 જેટલા ‘સ્વચ્છતા દૂત’ શહેરને ફરી ચોખ્ખુ ચણાક કરશે
સુરતમાં ભારે વરસાદથી થયેલી તારાજી બાદ સ્થિતી થાળે પાડવા હર્ષ સંઘવી પોતે ફિલ્ડમાં ઉતર્યા છે. તેમણે પુર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઇ મોડી રાત્રી સુધી રિવ્યુ બેઠકો યોજી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં રાહત, પુનર્વસન અને સફાઈ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા.કલેક્ટર,પાલિકા કમિશ્નર,સુરત મેયર,પ્રભારી અને અગ્રસચિવ સહિત શહેર પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ગુરુવારુની મોડી રાત્રે મળેલી રીવ્યુ બેઠક અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં 9100થી વધુ પરિવારોનો સર્વે પૂર્ણ થયો છે અને 800થી વધુ પરિવારોને અંદાજે રૂૂ.6500ની સહાય ચૂકવવામાં આવી છે. બાકી પરિવારો સુધી સહાય ઝડપથી પહોંચે તે માટે ખાસ ટીમો અને ઈનચાર્જ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં 58 કોમર્શિયલ વિસ્તારોમાં સરવે પૂર્ણ થયો છે અને બાકી રહેલા વિસ્તારોને પણ ટૂંક સમયમાં આવરી લેવાશે. વીમા દાવાઓની પ્રક્રિયા ઝડપી બને તે માટે વીમા સહાય ડેસ્ક શરૂૂ કરવામાં આવી છે અને 2 હજાર સ્વચ્છતા દૂત કામગરી કરી રહ્યા છે. નાગરિકોને ડબલ સમય સુધી પાણી પુરવઠો અપાશે અને પાણીના નિકાલ માટે વધારાના 50 પંપ મંગાવવામાં આવ્યા છે, બીજી તરફ હર્ષભાઈ સંઘવીએ નાગરિકોની ધીરજ અને સહકારની કરી પ્રશંસા.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કપરા સમયમાં સુરતના નાગરિકોએ દર્શાવેલી ધીરજ અને પ્રશાસનને આપેલી સહકારની ખાસ પ્રશંસા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે, સરકાર દરેક અસરગ્રસ્ત નાગરિકની સાથે છે અને પૂરની સ્થિતિમાંથી સુરતને ફરીથી ધમધમતું કરવા માટે કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.તંત્રની આ સક્રિયતાને કારણે હવે સુરત ફરી એકવાર વેગ પકડી રહ્યું છે.
નાયબ મુખ્યમંત્રીએ બેઠકમાં સ્પષ્ટ આદેશ આપ્યા છે કે પૂરની થપાટ ખમનારો એક પણ નાગરિક સરકારી સહાયથી વંચિત રહેવો જોઈએ નહીં. આ હેતુથી સુરત શહેરના તમામ ઝોનલ અધિકારીઓને ઇન્ચાર્જ તરીકે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ ફરી અધિકારીઓને આપ્યા આદેશ
ગઇકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લિંબાયત, ડિંડોલી અને સારોલીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ જાણી હતી. મુલાકાત દરમિયાન તેમણે પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ સ્થાનિક દુકાનદારો, સોસાયટીના રહીશો અને અસરગ્રસ્ત પરિવારો સાથે સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ,નુકસાન અને જરૂૂરીયાતોની જાણકારી મેળવી નાગરિકોને જરૂૂરી સહાય સમયસર પહોંચે તે માટે વહીવટી તંત્રના અધિકારીઓને આદેશ આપ્યો હતો. સંઘવીએ અધિકારીઓને વરસાદી પાણીના ઝડપથી નિકાલ, સફાઈ કામગીરી, વીજ પુરવઠાની સુચારુ વ્યવસ્થા તેમજ આરોગ્ય અને સ્વચ્છતા અંગે વિશેષ તકેદારી રાખવા સૂચના આપી હતી. સાથે જ અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય વહેલી તકે આપવાની તાકીદ કરી હતી.મુલાકાત દરમિયાન સ્થાનિક રહીશોની મુશ્કેલી, સમસ્યાઓઓને ગંભીરતાથી સાંભળી નાયબ મુખ્યમંત્રીએ તેના તાત્કાલિક ઉકેલ માટે સંબંધિત વિભાગોને જરૂૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાતમાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, મેયર શ્રીમતી માયાબેન માવાણી, સુરત જિલ્લા પ્રભારી સચિવ શાલિની અગ્રવાલ, મ્યુ.કમિશનર એમ.નાગરાજન, પો.કમિશનર વાબાંગ જમીર, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, મનપાના અધિકારીઓ જોડાયા હતા
