મેઘવાળ સમાજના સ્મશાન, જાહેર રસ્તાઓ અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની તંત્રની ખાત્રી
ધોરાજી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ બનેલા ગેરકાયદેસર દબાણો સામે છેડાયેલા જન-આંદોલનનો અંતે સુખદ અંત આવ્યો છે. મેઘવાળ સમાજના સ્મશાન, જાહેર રસ્તાઓ અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની ઉગ્ર માંગ સાથે ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડી. એલ. ભાસા દ્વારા શરૂૂ કરવામાં આવેલા આમરણાંત ઉપવાસ પ્રશાસનની બાંહેધરી બાદ સમેટાયા છે.
શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો વધી ગયા હતા અને તંત્રની નિષ્ક્રિયતાથી સ્થાનિક પ્રજામાં ભારે આક્રોશ હતો. વારંવારની રજૂઆતો છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં, ડી. એલ. ભાસાએ સોમવારથી મામલતદાર કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતના આમરણાંત ઉપવાસની શરૂૂઆત કરી હતી. આ લડતમાં તેમને સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકોનું પ્રચંડ સમર્થન મળ્યું હતું.
શ્રી ડી.એલ ભાસાએ સ્પષ્ટ કર્યું હતું કે, “આ લડાઈ કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ સમગ્ર સમાજના હક અને સન્માનની છે. સ્મશાન જેવી પવિત્ર જગ્યા અને પશુઓ માટેના ગૌચર પર દબાણ થાય તે કોઈપણ ભોગે ચલાવી લેવાય નહીં.”
આ આંદોલન મુખ્યત્વે મેઘવાળ સમાજના સ્મશાનની પવિત્ર જગ્યા: (સર્વે નંબર 623/2) જાહેર રસ્તાનું દબાણ: (સર્વે નંબર 763 પૈકી 1) ગૌચર અને સરકારી ખરાબો: (સર્વે નંબર 644/2 પૈકી 1, 762/1 અને 765) જમીન પરથી દબાણ દૂર કરવા માંગ કરવામાં આવી હતી. આ જન-આંદોલનની ગંભીરતાને જોતા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. ધોરાજીના મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ અને સ્થાનિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં તંત્ર દ્વારા શ્રી ડી. એલ. ભાસાની તમામ વ્યાજબી માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હતી.
મામલતદાર સાહેબ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે અને જમીન ખુલ્લી કરવા માટે 3 (ત્રણ) મહિનાની મુદત આપવામાં આવી છે. તંત્રની આ હકારાત્મક ખાતરી અને લેખિત આશ્વાસન બાદ, ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓ દ્વારા શ્રી ડી. એલ. ભાસાને જ્યુસ પીવડાવીને ઉપવાસના પારણા કરાવવામાં આવ્યા હતા. આ સાથે જ સત્ય અને જનતાના હિતની આ લડાઈનો સુખદ અને ઐતિહાસિક અંત આવ્યો છે, જેનાથી ધોરાજીની પ્રજામાં હર્ષની લાગણી ફેલાઈ છે.
