ઇરાન સાથેના યુદ્ધવિરામને મામલે અમેરિકા સામે બાંયો ચડાવીને બેઠેલા ઈઝરાયલે ચેતવણી આપી છે કે, ઈઝરાયલ પર ભીષણ આતંકવાદી હુમલો કરનારું સંગઠન હમાસ પાકિસ્તાન અને બાંગ્લાદેશની મદદથી ભારત પર મોટા હુમલાની ફિરાકમાં છે. હમાસના આતંકવાદીઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં છાવણીઓ બનાવીને સક્રિય છે અને ભારતમાં ગમે ત્યારે આતંકી હુમલો કરી શકે છે. અઝારના કહેવા પ્રમાણે તો, 7 ઓક્ટોબર, 2023ના દિવસે ઈઝરાયલમાં કરેલા આતંકવાદી હુમલા પછી હમાસના આતંકવાદીઓની હિંમત બહુ વધી ગઈ છે. તેમને એમ જ લાગે છે કે, આપણે ઈઝરાયલને રગદોળી શકીએ તો પછી દુનિયામાં ગમે ત્યાં આવા હુમલા કરી શકીએ.
પોતાની હિંમતની ચકાસણી માટે હમાસે હવે ભારતને પસંદ કર્યું છે તેથી ભારતે અત્યંત સતર્ક રહેવું જરૂૂરી હોવાનો અઝારનો દાવો છે. ઈઝરાયલના રાજદૂતે બે દિવસ પહેલાં ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કરેલી. ભારત સરકારે તેની સામે કોઈ પ્રતિક્રિયા આપી નથી ને એ સ્વાભાવિક છે. આ બધા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ જાહેરમાં ચર્ચવાના વિષયો નથી. ભારત સરકારને આ પ્રકારની ઘણી ચેતવણીઓ મળતી હોય છે ને તેનું શું કરવું તેનો નિર્ણય સરકાર પોતાની રીતે લેતી જ હોય છે. અત્યારે પાકિસ્તાન-બાંગ્લાદેશ અને હમાસ બંનેને એકબીજાની જરૂૂર છે. પાકિસ્તાનની ભારત સામે સીધા જંગની તાકાત નથી.
પાકિસ્તાન પાંચમી કતારિયાઓને આગળ કરીને જ ભારત સામે યુધ્ધ લડે છે ને આતંકવાદ ફેલાવે છે. હમાસ તેમનો હાથો બનવા તૈયાર છે તો તેમને શો વાંધો હોય? બાંગ્લાદેશની સરકાર તરફથી ભારત વિરોધી પ્રવૃતિઓ માટે સીધી કોઈ મદદ મળવાની નથી તેથી આર્મી અને પાકિસ્તાનના સહારે મનસા પૂરી કર્યા વિના છૂટકો નથી. ઈઝરાયલે મારી મારીને સુવ્વર બનાવી દેતાં હમાસના આતંકીઓ પણ ભાગતા થઈ ગયા છે. પહેલાં હમાસના આતંકી મિડલ-ઈસ્ટના દેશોમાં પડ્યા પાથર્યા રહેતા પણ ઈઝરાયલ ત્યાં પણ બોમ્બમારો કરી રહ્યું છે તેથી તેમને સલામત ઠેકાણું જોઈએ છે. બાંગ્લાદેશ અત્યારે તેમના માટે સલામત ઠેકાણું છે.
આ સલામતીના બદલામાં ભારતમાં થોડા હુમલા કરવા પડ તો તેના માટે હમાસ તૈયાર જ હોય એ જોતાં ઈઝરાયલની ચેતવણી સાવ મોં-માથા વિનાની નથી જ. ભારત આ ધમકીઓને પહોંચી વળવા પૂરેપૂરું સક્ષમ છે. ભૂતકાળમાં અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સહિતનાં આતંકવાદી સંગઠનો ભારતમાં હુમલાની ચેતવણી આપી ચૂક્યાં છે પણ કદી હુમલો ના કરી શક્યાં. પાકિસ્તાનનાં પીઠું આતંકવાદી સંગઠનોને પણ ભારત ખોખરું કરી જ રહ્યું છે એ જોતાં હમાસ કોઈ ગુસ્તાખી કરશે તો તેની હાલત પણ ખરાબ થશે જ.
