પડધરીના હરીપર ગામે ખરાબામાં ખાતર નાખવા બાબતે જૂથ અથડામણ

પડધરીના હરીપર (ખારી) ગામે ખરાબામાં ખાતર નાખવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. આ ઘટનામાં પાડોશમાં રહેતા એક જ પરિવારના ચાર…

પડધરીના હરીપર (ખારી) ગામે ખરાબામાં ખાતર નાખવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. આ ઘટનામાં પાડોશમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ યુવાન ઉપર લાકડી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પડધરીના હરીપર (ખારી) ગામે રહેતા શૈલેષભાઈ અણદાભાઇ કોટડીયા (ઉ.વ. 45) એ પોલીસમાં ફરિયાદ જણાવ્યા મુજબ, ગત તારીખ 14/04/2026 ના રોજ સવારે તેઓ પોતાની વાડીએ જઈ રહ્યા હતા. તે સમયે હરીપર ગામમાં કાળુભાઈ મોહનભાઈના ઘર પાસે આરોપી ભુપતભાઈ મોહનભાઈ સુમલખાણીયા સાથે તેઓ વાતચીત કરી રહ્યા હતા. વિવાદનું મુખ્ય કારણ એ હતું કે શૈલેષભાઈએ પોતાની વાડી પાસેના ખરાબામાં ખાતર નાખ્યું હતું, જેમાં આરોપી ભુપતભાઈએ પથ્થરો નાખ્યા હતા.

જ્યારે શૈલેષભાઈએ આ બાબતે ભુપતભાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે, “તેં મારી રેતી પાસે ખાતર કેમ નાખ્યું છે? આ બધી જગ્યા મારી છે.” ત્યારબાદ આરોપીએ શૈલેષભાઈને લાફો મારી ઝઘડો શરૂૂ કર્યો હતો.

બોલાચાલી દરમિયાન ભુપતભાઈના બે પુત્રો, રોહિત અને મોહિત પણ ત્યાં ધસી આવ્યા હતા. રોહિતે શૈલેષભાઈના માથાના ભાગે લાકડી ફટકારી હતી, જ્યારે મોહિતે લોખંડના પાઇપના કટકા વડે ડાબા હાથની કોણીએ ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ભુપતભાઈ અને તેમના પત્ની ગીતાબેને પણ શૈલેષભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલાખોરોએ જતી વખતે ધમકી આપી હતી કે, “જો ખાતર ભરી નહીં લે તો તને પૂરો કરી દઈશ.”

ઇજાગ્રસ્ત શૈલેષભાઈને તાત્કાલિક પડધરી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, તેમણે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ મામલે ભુપતભાઈ મોહનભાઈ, રોહિત મોહનભાઈ, મોહિત મોહનભાઈ અને ગીતાબેન મોહનભાઈ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 118(1), 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસની જવાબદારી હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ ઝાલાને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *