સુરતના ભૂતિયા ડિમોલિશનકાંડમાં સરકાર હાથ ખંખેરી શકે નહીં: હાઇકોર્ટ

  મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સામે ઉઠાવ્યા સવાલ, ડિમોલિશન કોણે કર્યુ? સ્પષ્ટ જવાબ આપવા તાકીદ, ટોરેન્ટ પાવરને પણ બનાવી પક્ષકાર સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ…

 

મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સામે ઉઠાવ્યા સવાલ, ડિમોલિશન કોણે કર્યુ? સ્પષ્ટ જવાબ આપવા તાકીદ, ટોરેન્ટ પાવરને પણ બનાવી પક્ષકાર

સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર બિલ્ડર લોબી-ખાખી-ખાદી અને સરકારી અધિકારીઓની મિલિભગત વાળા નાસીર નગર ભૂતિયા ડિમોલિશનને પડકારતી 26 અસરગ્રસ્તોની અરજી પર ગુજરાત હાઇકોર્ટે પ્રાથમિક સુનાવણી દરમિયાન સુરત મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસ તંત્ર સામે અણિયારા સવાલો ઉઠાવતા આગામી દિવસોમાં આ ભૂતિયા ડિમોલિશનમાં ભૂમિકા ભજવનાર અધિકારીઓ સુધી રેલો પહોંચવાની શક્યતા છે.

સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને પડકારતી 26 અસરગ્રસ્ત અરજદારોની અરજી પર ગુજરાત હાઇકોર્ટે પ્રાથમિક સુનાવણી દરમિયાન અનેક મહત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા છે. અરજીમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત શહેર પોલીસ કમિશનર, સુરત SOGના DCP રાજદીપસિંહ નકુમ, પોલીસ અધિકારીઓ, SMCના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો SOGના DCP રાજદીપસિંહ નકુમ ત્યાં અનઓફિશિયલ હાજર હતા તો આવતી મુદતે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય. જો ઓફિશિયલ હાજર હોય તો ઉપસ્થિત રહેવાની જરૂૂર નથી. કોર્ટે સાથે જ નોંધ્યું કે રાજ્ય સરકાર પણ આ બાબતમાં જવાબદારીમાંથી હાથ ખંખેરી શકે નહીં. સમગ્ર મામલાને સંવેદનશીલ ગણાવતા કોર્ટે તમામ પક્ષકારોને જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે અને વધુ સુનાવણી સોમવારે રાખી છે.

અરજદારોના વકીલે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે 30 મેના રોજ સુરતના નાસીરનગર વિસ્તારમાં કોઈપણ પૂર્વ નોટિસ, રજૂઆત કરવાની તક અથવા પંચનામા વગર 150થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. અરજદારોના જણાવ્યા મુજબ ડિમોલિશન દરમિયાન SMCના અધિકારીઓ તથા 20થી 25 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર હતા.

અરજદારોએ વધુમાં જણાવ્યું કે 1 જૂને તેમણે SMC કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી, ત્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે કોર્પોરેશને આ ડિમોલિશન માટે કોઈ સત્તાવાર આદેશ કર્યો નથી. અરજદારોના જણાવ્યા પ્રમાણે નાસીરનગર વસાહત વર્ષ 1969થી અસ્તિત્વમાં છે અને તેમના પૂર્વજો પણ વર્ષોથી ત્યાં રહેતા આવ્યા છે. તેમ છતાં 30 મેના રોજ અચાનક બુલડોઝર લાવીને મકાનો તોડી પાડવામાં આવ્યા.

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજદારોને પૂછ્યું હતું કે, આ ડિમોલિશન SMC દ્વારા કરાયું તેવું તમે કેવી રીતે કહી શકો? તેના જવાબમાં અરજદારોએ જણાવ્યું કે ડિમોલિશન દરમિયાન SMCના અધિકારીઓ, કર્મચારીઓ અને સુરત SOG તેમજ ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સ્થળ પર હાજર હતા. કોર્ટે ત્યારબાદ વધુ સવાલ કરતાં પૂછ્યું કે, ડિમોલિશનની ડ્યુટીમાં હાજર મશીનરી અને માણસો કોના હતા?

અરજદારોના જણાવ્યા મુજબ, ડિમોલિશન કરનાર એજન્સી SMCની હતી. સાથે જ ડિમોલિશન પહેલાં ટોરેન્ટ પાવરે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કર્યો હતો. અરજદારોના જણાવ્યા પ્રમાણે સ્થળ પર SMCના લગભગ સાત અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ઉપરાંત સુરત SOG વિભાગ તથા ચોક બજાર પોલીસ સ્ટેશનના અંદાજે 20થી 25 પોલીસ કર્મચારીઓ હાજર હતા.

અરજદારોએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે પાલિયા બિલ્ડરના આદેશથી શ્રીરામ એજન્સી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થળ પર આર્કિટેક્ટ રજનીકાંત પણ હાજર હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે સ્થાનિકોએ વિરોધ કરતાં તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. રહેવાસીઓને માત્ર એક કલાકમાં મકાન ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી, જેના કારણે બાળકોના પુસ્તકો સહિતનો કિંમતી ઘરવખરીનો સામાન કાટમાળ નીચે દબાઈ ગયો હતો.

હાઇકોર્ટે અરજદારોને વધુ એક મહત્વપૂર્ણ સવાલ પૂછ્યો હતો કે, 30 મેના રોજ ડિમોલિશન થયું તો કોર્ટમાં અરજીમાં આટલું મોડું કેમ કરવામાં આવ્યું? તેના જવાબમાં અરજદારોએ જણાવ્યું હતું કે તેમણે સૌપ્રથમ SMC કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. ત્યાંથી તેમને જવાબ મળ્યો હતો કે SMC દ્વારા ડિમોલિશનનો કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નથી. ત્યારબાદ પોલીસે તેમની ફરિયાદ પણ સ્વીકારી નહોતી.

અરજદારોએ કોર્ટને વધુમાં જણાવ્યું કે 21 જૂને SMC કમિશનરે પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું કે ડિમોલિશન સમયે કોર્પોરેશનના કર્મચારીઓ સ્થળ પર હાજર હતા. ત્યારબાદ તેમણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારોની રજૂઆત બાદ હાઇકોર્ટે અનેક સવાલો ઉઠાવ્યા. કોર્ટે પૂછ્યું: જો ડિમોલિશન SMCએ નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા? તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે? સુરત શહેર પોલીસ કમિશનરને ફરિયાદ અપાઈ તો તે ફરિયાદ લીધી કેમ નહીં? કયા કયા અધિકારીઓ ડિમોલિશન સ્થળે ઉપસ્થિત હતા? અરજદારે ડિમોલિશન સ્થળે હાજર પોલીસ કર્મચારીઓના નામ કે હોદ્દા કેમ નથી જણાવ્યા? આ સવાલો દ્વારા કોર્ટે SMC તથા પોલીસ તંત્રની ભૂમિકા અંગે સ્પષ્ટતા માંગતા બંને સત્તાધિકારીઓની જવાબદારી પર ભાર મૂક્યો હતો.

અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ડિમોલિશન સમયે સુરત SOGના DCP રાજદીપસિંહ નકુમ પણ હાજર હતા. તેના પર હાઇકોર્ટે પૂછ્યું તેમના સામે અરજીમાં આક્ષેપ ક્યાં છે? આ અરજીમાં ઘણા ખાનગી વ્યક્તિઓને જોડવામાં આવ્યા છે, તેમની સામેના આક્ષેપ ક્યાં છે? કયા આધાર ઉપર કોર્ટ અધિકારીઓને જવાબ આપવા બોલાવે? કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર કોઈ અધિકારીનું નામ અરજીમાં ઉમેરવાથી પૂરતું નથી, તેમની સામે ચોક્કસ આક્ષેપ અને આધાર પણ રજૂ કરવો જરૂૂરી છે.

હાઇકોર્ટે સુરત શહેર પોલીસ કમિશનરને નિર્દેશ આપતાં કહ્યું પોલીસ કમિશનર જવાબ આપે કે ડિમોલિશન SMCએ કર્યું કે બીજા કોઈ યક્તિએ? કોર્ટે વધુમાં નોંધ્યું એક પણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વગર તોડી શકાય નહીં. રાજ્ય સરકાર પણ આ બાબતમાં જવાબદારીમાંથી હાથ ખંખેરી શકે નહીં.
ટોરેન્ટ પાવર પણ જણાવે કે કોના આદેશથી તેઓએ નાસીરનગરમાં વીજ કનેક્શન કાપ્યા હતા? સાથે જ કોર્ટે પૂછ્યું કે આટલા દિવસોમાં સંબંધિત સત્તાધિકારીઓએ ડિમોલિશન મામલે શું કાર્યવાહી કરી છે.

જો પાલિકાએ ડિમોલિશન નથી કર્યું, તો તેના કર્મચારીઓ ત્યાં શું કરી રહ્યા હતા?
કોર્ટે અરજી કરવામાં થયેલા વિલંબ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા, જેના જવાબમાં અરજદારોએ તંત્રની ઉદાસીનતાને જવાબદાર ઠેરવી હતી. તેમણે જણાવ્યું કે શરૂૂઆતમાં પાલિકાએ આ કાર્યવાહીથી હાથ અધ્ધર કરી લીધા હતા અને સ્થાનિક પોલીસે પણ ગુનો નોંધવાનો ઇનકાર કર્યો હતો. લાંબી કાનૂની લડત બાદ, 21 જૂને પાલિકા કમિશ્નરે સ્વીકાર્યું હતું કે ઘટનાસ્થળે કોર્પોરેશનના કર્મચારીઓ હાજર હતા. આ સાંભળીને હાઈકોર્ટે આક્રોશ વ્યક્ત કર્યો કે જો પાલિકાએ ડિમોલિશન નથી કર્યું, તો તેના કર્મચારીઓ ત્યાં શું કરી રહ્યા હતા અને તેમની સામે અત્યાર સુધી શું પગલાં લેવાયાં? છેવટે, હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરને આ મામલે સ્પષ્ટ ખુલાસો કરવા આદેશ આપ્યો છે કે આ ડિમોલિશન પાલિકાએ કર્યું છે કે કોઈ અન્ય તત્વોએ.

ડિમોલિશન ગેરકાયદે સાબિત થાય તો અધિકારીઓની અમર્યાદિત જવાબદારી
હાઇકોર્ટે નોંધ્યું કે જો સુરત મહાનગરપાલિકા અથવા તેના અધિકારીઓ દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું હશે તો તેમની સીધી અને અમર્યાદિત જવાબદારી રહેશે. સુનાવણી દરમિયાન અસરગ્રસ્તોને પુનર્વસન અંગે પણ ચર્ચા થઈ હતી. કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે જો ડિમોલિશન ગેરકાયદેસર હોવાનું સાબિત થાય તો અસરગ્રસ્તોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાવવાનો અધિકાર કોર્ટ પાસે છે અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશોનો પણ આધાર લેવામાં આવ્યો હતો.હાઇકોર્ટે જણાવ્યું કે સમગ્ર મામલે સંબંધિત તમામ સત્તાધિકારીઓ પાસેથી સ્પષ્ટ અને વિગતવાર જવાબ જરૂૂરી છે. આગામી સુનાવણી દરમિયાન ટોરેન્ટ પાવર તરફથી પણ જવાબ રજૂ કરવામાં આવશે. કેસની વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *