શહેર પોલીસ વિભાગમાં વહીવટી અને કામગીરીની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના સીધા નિરીક્ષણ હેઠળ કામ કરતી સ્પેશિયલ શાખા ’પીસીબી’ (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ) ને વધુ સક્રિય અને મજબૂત બનાવવાના ભાગરૂૂપે તેને હવે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. રાજકોટ પીસીબીના સર્વ પ્રથમ સ્વતંત્ર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે બાહોશ અને નીડર અધિકારી એમ.આર. ગોંડલીયા ની નિમણૂંક કરવામાં આવી છે, જેમણે સત્તાવાર રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે.અત્યાર સુધી રાજકોટ પોલીસમાં ક્રાઈમ બ્રાંચ અને પીસીબી બંને મહત્વની શાખાઓનો સંયુક્ત હવાલો પી.આઈ. એમ.આર. ગોંડલીયા સંભાળી રહ્યા હતા.
ગુનાખોરી ડામવામાં અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં તેમની કામગીરી પ્રશંસનીય રહી છે. જો કે, શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર વધુ કડક નજર રાખી શકાય અને પીસીબી શાખા પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી શકે તે હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આ શાખાને સ્વતંત્ર કરવાનો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત તેમણે પી.આઈ. મેહુલ ગોંડલીયાને ક્રાઈમ બ્રાંચના સંયુક્ત પ્રભારમાંથી મુક્ત કરી, પીસીબીનો જ સ્વતંત્ર હવાલો સોંપ્યો છે. આ સાથે જ તેઓ રાજકોટ પીસીબીના પ્રથમ સત્તાવાર પી.આઈ. બન્યા છે.
પી.આઈ. એમ.આર. ગોંડલીયાએ ક્રાઈમ બ્રાંચમાં વિતાવેલા સફળ કાર્યકાળ અને તેમની સરાહનીય કામગીરીને બિરદાવવા માટે ક્રાઈમ બ્રાંચ કચેરી ખાતે એક ભવ્ય અને લાગણીસભર વિદાયમાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. વિદાય સમારોહ દરમિયાન સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને લાગણીઓથી સભર બની ગયું હતું. ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા પી.આઈ. ગોંડલીયાને ફૂલડે વધાવીને, પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્ટાફના સભ્યોએ તેમના નેતૃત્વ હેઠળ કામ કરવાના અનુભવો શેર કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમની શિસ્તબદ્ધ અને સાથી કર્મચારીઓને સાથે રાખીને ચાલવાની શૈલી હંમેશા પ્રેરણારૂૂપ રહેશે. સમગ્ર ટીમે તેમને નવી અને સ્વતંત્ર જવાબદારી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજકોટ પીસીબી શાખા સીધી પોલીસ કમિશનરના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ કામ કરે છે. હવે જ્યારે આ શાખાને સ્વતંત્ર પી.આઈ. મળ્યા છે, ત્યારે આગામી દિવસોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, જુગાર, દારૂૂબંધીના કડક અમલીકરણ અને અસામાજિક તત્વો સામેની ઝુંબેશ વધુ વેગવાન બને તેવી પૂરેપૂરી શક્યતા છે. ચાર્જ સંભાળતાની સાથે જ પી.આઈ. એમ.આર. ગોંડલીયાએ શહેરને ગુનામુક્ત રાખવા અને કમિશનરના આદેશોનું ચુસ્તપણે પાલન કરવાની પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. પોલીસ બેડામાં આ નવી નિમણૂંકને આવકારવામાં આવી રહી છે.
