રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર પાર્ક કરેલા બોલેરો પીકઅપ વાહનોમાંથી ટાયરો ચોરી થવાના બનાવો સામે આવી રહ્યા હતા. આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હલંડ ગામ બસ સ્ટેન્ડ નજીક, કાળીપાટ ચોકડી પાસે મોમાઈ હોટલ નજીક તેમજ ગોંડલ રોડ પર મીરા પાપડ સામેથી વાહનોમાંથી ટાયર ચોરી થયાની ફરિયાદો રજીસ્ટર થઈ હતી. આ બનાવો અંગે ગંભીરતા દાખવી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અતિરિક્ત પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલિક, નાયબ પોલીસ કમિશ્નર હેતલ પટેલ (ઝોન-1) અને મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી. જાદવ દ્વારા પેટ્રોલીંગ સઘન બનાવી આ ગુનાઓ શોધી કાઢવા કડક સૂચના આપવામાં આવી હતી.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એન. પટેલ અને પો.સબ.ઈન્સ. વી.જી. ડોડિયાની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંયુક્ત હ્યુમન સોર્સ અને ટેકનિકલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે કોઠારીયા સોલ્વન્ટ સોમનાથ ઈન્ડસ્ટ્રીઝના ગેઈટ આગળના ખુલ્લા પ્લોટ પાસેથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પકડાનાર આરોપીઓમાં લાલજીભાઈ કરશનભાઈ મેઘાણી (ઉં.વ. 29, વ્યવસાયે ડ્રાઈવિંગ) અને રાહુલભાઈ બાઘાભાઇ ચિરોડીયા (ઉં.વ. 26, વ્યવસાયે મજુરી) (બંને રહે. મછાનગર, જૂના માર્કેટીંગ યાર્ડ પાછળ, રાજકોટ) નો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા તેઓ પાસેથી અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલ વ્હીલ પ્લેટ સાથેના 16 નંગ ટાયરો મળી આવ્યા હતા.કુલ રૂૂપિયા 5,81,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાતો સામે આવી છે.આરોપીઓએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રાજકોટ શહેરના બેડીપરા, પડધરી, માધાપર ચોકડી, માંડાડુંગર, વાંકાનેર બાઉન્ડ્રી, નવાગામ, હુડકો ચોકડી, શાપર-ગોંડલ રોડ, મોરબી રોડ, કુવાડવા ચોકડી, સાત હનુમાન મંદિર તેમજ ખંભાળીયા નજીકથી બોલેરો પીકઅપ વાહનોમાંથી ટાયર ચોરી કર્યાની કબૂલાત આપી છે.
