સોખડા નજીક આવેલા શ્યામ પોલીમર્સ કારખાનામાં દરોડો પાડી આરોપીની ધરપકડ, 22.43 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોખડા ગામ નજીક વિખ્યાત આશીર્વાદ પાઇપ્સ કંપનીના કોપીરાઇટ અને ટ્રેડમાર્કનો ભંગ કરી નકલી પાઇપ તથા ફિટીંગ્સનું ઉત્પાદન અને વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આઈડીયલ આઈપીઆર પ્રોટેક્શન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ફીલ્ડ ઇન્વેસ્ટીગેશન ઓફિસર સાહિલ કરીમભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સોખડા સ્થિત જય જલારામ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ-3માં આવેલ શ્રી શ્યામ પોલીમર્સ નામના કારખાના પર દરોડો પાડીને પોલીસે ડુપ્લિકેટ બ્રાન્ડિંગ સાથે ચાલતું આ મોટું રેકેટ પકડી પાડ્યું છે. આ મામલે પોલીસે કારખાનાના માલિક તુષારભાઈ નટુભાઈ ગઢીયા (રહે. સેટેલાઇટ ચોક, મોરબી રોડ, રાજકોટ) નામના ઇસમ સામે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અને તપાસ ટીમને મળેલી ચોક્કસ બાતમી તેમજ અરજીના આધારે પીસીબી શાખા રાજકોટ શહેર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી. ત્રાજીયા સહિતના સ્ટાફે પંચોની હાજરીમાં કારખાનામાં દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, આરોપી તુષાર ગઢીયા મૂળ ’આશીર્વાદ’ કંપનીની નોંધાયેલી બ્રાન્ડ અને કોપીરાઇટ લોગોને મળતા-ભળતા ’અઙકફતવશબિફમ’ નામના ડુપ્લિકેટ લેબલનો ઉપયોગ કરતો હતો. તે કંપનીની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે યુપીવીસી અને સીપીવીસીની પાઇપો, એલ્બો, બ્રાસ એલ્બો, યુનિયન, કપલર, સ્ટેપ ઓવર બેન્ડ અને બુચ જેવી ફિટીંગ્સ બનાવટોનું ઉત્પાદન કરી બજારમાં વેચીને કંપની સાથે ખુલ્લેઆમ ઠગાઈ આચરી રહ્યો હતો.
પોલીસ દરોડા દરમિયાન કારખાનામાંથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં રૂૂ. 2 લાખની કિંમતની લોખંડની મોલ્ડ ડાય તથા રૂૂ. 6,000 ની કિંમતની 12 નંગ ઇન્સર્ટ-કી ડાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ’અઙકફતવશબિફમ’ પ્રિન્ટ કરેલા 80 નંગ પાઇપ (કિંમત રૂૂ. 40,000), 17,760 નંગ વિવિધ સાઇઝના ટી-એલ્બો અને ફિટીંગ્સ ભરેલા 71 બોરા (કિંમત રૂૂ. 19,53,600), 500 નંગ પ્લાસ્ટિકની થેલીઓ (કિંમત રૂૂ. 20,000) અને 600 નંગ પ્રિન્ટેડ પુઠાના બોક્સ (કિંમત રૂૂ. 24,000) મળી આવ્યા હતા. આમ પોલીસે સ્થળ પરથી કુલ રૂૂ. 22,43,600/- ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 173 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) એટલે કે ઠગાઈ તથા કોપીરાઇટ એક્ટ 1957 ની કલમ 63, 64 અને 65 હેઠળ વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રજ્ઞેશભાઈ ભીખાભાઈ ત્રાજીયાને આ કેસની આગળની તપાસ સોંપવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ ઇસમ સંડોવાયેલ છે કે કેમ અને આ નકલી માલ બજારમાં ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે.
