રાજકોટ બાયપાસથી અનેક ગામડામાં ‘ભારત-પાકિસ્તાન’ જેવી બોર્ડર ઉભી થશે

રાજકોટ, કોટડાસાંગાણી અને ગોંડલ પંથકના ગામોમાંથી પસાર થનારા પ્રસ્તાવિત 6-લેન ગ્રીનફિલ્ડ રાજકોટ બાયપાસ (NH-27) પ્રોજેક્ટ સામે સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ અને…

રાજકોટ, કોટડાસાંગાણી અને ગોંડલ પંથકના ગામોમાંથી પસાર થનારા પ્રસ્તાવિત 6-લેન ગ્રીનફિલ્ડ રાજકોટ બાયપાસ (NH-27) પ્રોજેક્ટ સામે સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિક પ્રજા દ્વારા જિલ્લા કલેક્ટર, NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારીને એક આક્રમક સત્તાવાર આવેદનપત્ર પાઠવીને પ્રોજેક્ટને ’એક્સેસ કંટ્રોલ’ બનાવવાની નીતિ સામે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

આવેદનપત્રમાં ગ્રામજનોએ આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ’વિકાસ’ ના નામે સ્થાનિક પ્રજા પર ’વિનાશ’ થોપવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ રોડને “Access Controlled Facility” તરીકે મંજૂર કરવામાં આવ્યો છે, જેનો અર્થ એ થાય કે રોડની બંને બાજુ ઊંચી દીવાલો ચણી દેવાશે. પરિણામે, સ્થાનિક ખેડૂત પોતાનું ટ્રેક્ટર, બાઈકચાલક કે સામાન્ય નાગરિક આ રસ્તા પર ચડી જ શકશે નહીં. સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો આ રસ્તો માત્ર અમીરો અને ઉદ્યોગપતિઓની લક્ઝરી કારો માટે જ બનતો હોય અને સ્થાનિકોને માત્ર ધૂળ-ઘોંઘાટ જ મળવાના હોય, તો આવો બંધિયાર વિકાસ તેમને મંજૂર નથી.

ગ્રામજનોનો આરોપ છે કે આ રોડ સદીઓ જૂના ગામડાઓના સામાજિક તાણાવાણા અને રોજીરોટી પર બુલડોઝર ફેરવી રહ્યો છે. ગામ વચ્ચે ઊંચી દીવાલો આવવાથી ખેડૂતો પોતાના જ ખેતરે જઈ શકશે નહીં, દૂધ ઉત્પાદકો મંડળીએ, મજૂરો ફેક્ટરીએ અને બાળકો શાળા-કોલેજ પહોંચી શકશે નહીં. આ વ્યવસ્થા ગામડાઓ વચ્ચે ’ભારત-પાકિસ્તાન’ જેવી કૃત્રિમ સરહદો ઉભી કરીને સ્થાનિકોને પોતાના જ વતનમાં કેદી બનાવવાનું કારસો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.

આવેદનપત્રમાં ટાંકવામાં આવ્યું છે કે પંથકમાં વર્ષોથી મંજૂર થયેલા જૂના રસ્તા, એપ્રોચ રોડ, પુલિયા અને નાળાના કામો બિસ્માર હાલતમાં રઝળે છે. જે તંત્રથી જૂના પ્રાથમિક કામો પૂરા થતા નથી, તે નવી ઉપજાવ જમીનો છીનવીને કયો ચમત્કાર કરવા માંગે છે? જો તંત્રને ટ્રાફિક હળવો કરવો હોય તો હયાત રસ્તા પહોળા કરીને ’ઓપન એક્સેસ’ સર્વિસ રોડ બનાવવો જોઈએ.

સરપંચો, ગ્રામ પંચાયતો અને ખેડૂત આગેવાનો સાથે ટેબલ-ટોક સંકલન કરીને જ આગળ વધવું. જો જબરદસ્તીથી આ પ્રોજેક્ટ થોપવામાં આવશે, તો સમગ્ર પંથકના નાગરિકો રસ્તા પર ઉતરીને કલેક્ટર કચેરીનો ઘેરાવ, નેશનલ હાઈવે પર ચક્કાજામ અને કામગીરીનો બહિષ્કાર કરશે. આ આંદોલનથી કાયદો અને વ્યવસ્થાની જે ગંભીર સ્થિતિ સર્જાશે તેની સંપૂર્ણ જવાબદારી NHAI અને વહીવટી તંત્રની રહેશે.

વાસ્તવિક બજાર કિંમત બમણી ગણીને 100% સોલેશિયમ અને વધારાનું 12% વળતર આપવા માંગ
ખેડૂતોનો આરોપ છે કે અગાઉ તંત્ર દ્વારા આ રોડ નિયમિત બનાવવાની ખાતરી અપાઈ હતી, પરંતુ સરકારી કાગળો પર આજે પણ તેને ’એક્સેસ કંટ્રોલ’ જ રાખવામાં આવ્યો છે. બંધિયાર ડિઝાઇનના કારણે જૂના રસ્તાઓ કપાઈ જશે અને સ્થાનિકો માટે આ રોડ નિરુપયોગી સાબિત થશે. વારંવારની માંગ છતાં તંત્ર દ્વારા ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) કે જંક્શન ડિઝાઇન છુપાવવામાં આવી રહી છે. ખેડૂતોએ ફળદ્રુપ જમીનો બચાવવા માટે અલાઈનમેન્ટ નજીકની સરકારી પડતર જમીન તરફ ડાયવર્ટ કરવા અથવા જૂના રસ્તાઓ પહોળા કરવા માંગ કરી છે. વિસ્તારમાં હાલ સરકારી જંત્રી માત્ર રૂા.3 થી 5 લાખ પ્રતિ એકર છે, જ્યારે વાસ્તવિક બજારભાવ રૂા.3 થી 5 કરોડ સુધીનો છે. જૂની જંત્રી મુજબ વળતર આપવું એ ખેડૂતોના મિલકતના અધિકાર પર તરાપ સમાન છે. RFCTLARR એક્ટ, 2013 મુજબ પ્રવર્તમાન બજાર કિંમત નક્કી કરી 2 ગણા ગુણાંક, 100% સોલેશિયમ અને વધારાના 12% વળતર સાથે આખરી એવોર્ડ જાહેર કરવા માંગ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *