મહત્ત્વના વિસ્તારોમાં લગાડેલા કેમેરાની બેટરી ચોરી લેતા : 29 બેટરી સહિત 1.95 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની બેટરી ચોરી કરનાર ટોળકીને નાસતા ફરતાં સ્કવોર્ડની ટીમે ઝડપી પાડી હતી. છેલ્લા એક મહિનામાં આ ટોળકીએ રાજકોટ શહેરના મહત્વના વિસ્તારોમાં 15 જેટલા કેમેરા ચોરી કર્યા હતાં. એક સગીર આરોપી સહિત ત્રિપુટીની ધરપકડ કરી તેમની પાસેથી ચોરાઉં બેટરી સહિત રૂા.1.95 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ટ્રાફીક નિયમન અને ગુનાખોરીનો અટકાવવા માટે પોલીસની ત્રીજી આંખ ગણાતા સીસીટીવી કેમેરા છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં હોય રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ સીસીટીવી કેમેરામાંથી બેટરી ચોરી થતાં આ મામલે મહાનગરપાલિકાના અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરામાંથી બેટરી ચોરી કરનાર ટોળકીને ઝોન-2 નાસતા ફરતાં સ્કવોર્ડની ટીમે ઝડપી પાડી હતી. મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે ઝુપડામાં રહેતા સુરેશ લાલુ ચારોલીયા, હુડકો ચોકડી પાસે રહેતાં ધીરૂ જીલુ વાજેલીયા, કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર વયના બાળ કિશોરને ઝડપી લીધા હતાં. આ ત્રિપુટીએ બે જૂનથી લઈ 19 જૂન સુધી 15 સ્થળોએ સીસીટીવી કેમેરાની બેટરી ચોરી કરી હતી. જેમાં એસ્ટ્રોન ચોક, એનસીસી ચોક, રેસકોર્ષ ટેનીસ કોર્ટ, જયુબેલી ચોક, સોરઠીયાવાડી ગાર્ડન, પારૂલ ગાર્ડન, હિંગળાજ ચોક, કાન્તાસ્ત્રી વિકાસ, આંબેડકર કોલોની, મહિલા કોલેજ, નાનામવા સર્કલ, યાજ્ઞીક રોડ ટી પોર્ઈન્ટ, સદર બજાર સહિતના વિસ્તારોમાં સીસીટીવી કેમેરામાંથી બેટરી ચોરી કરી હતી.
આ ટોળકી પાસેથી જીજે.3 ડબલ્યુ 2767 નંબરની રીક્ષા તથા અલગ અલગ 29 જેટલી ચોરાઉ બેટરી સહિત રૂા.1.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ટોળકી પાસેથી કબજે કરેલ બેટરી સહિત એક કટર પણ મળી આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાની બેટરી ચોરીનો ભેદ ઉકેલાય ગયો છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.આર.કોઠીયા સાથે ટીમના ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકીતભાઈ નિમાવત, અનિલભાઈ જીલરીયા, અમીનભાઈ ભલુર, પ્રશાંતભાઈ ગજેરા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
રાત્રે રિક્ષા લઈને ચોરી કરવા નીકળતાં અને કેમેરાનું યુનિટ તોડી બેટરી ચોરી લેતાં
શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા એક મહિનામાં 15 જેટલી સીસીટીવી કેમેરાની બેટરી ચોરી થઈ હોય આ મામલે મહાનગરપાલિકાએ પોલીસને જાણ કરતાં આ ચોરીમાં સંડોવાયેલ ટોળકીને પકડવા માટે પોલીસે જાળ બિછાવી હતી. દરમિયાન લીમડા ચોક નજીક શાસ્ત્રી મેદાન પાસેથી શંકાસ્પદ રીક્ષા સાથે સુરેશ ધીરૂ અને બાળ આરોપી મળી આવ્યા હતાં. જેમની પાસેથી સીસીટીવી કેમેરાની બેટરી મળી આવી હોય પુછપરછમાં અન્ય 15 ચોરીના ભેદ ઉકેલાયા છે. આ ટોળકી મોડીરાત્રે રીક્ષા લઈને ચોરી કરવા નીકળતી હતી અને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટનું તાળુ તોડી તેમાં રહેલ બેટરી ચોરી કરી લેતાં હતાં. તાળુ તોડવા માટે કટર પણ સાથે રાખતાં હતાં.
