જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લતીપર ગામ ખાતે મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. અને જૂની અદાવતના કારણે એક વેપારી બુઝુર્ગ ઉપર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો છે. જે મામલે એક શખ્સ સામે બી.એન.એસ. કલમ 118(1), 118(2), 115(2), 352 તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ગઈકાલે વહેલી સવારે લતીપર ગામે ફરિયાદી શ્રી લક્ષ્મણભાઈ ધરમશીભાઈ મેદપરા (ઉ.વ. 65), રહે. સ્કૂલ પાસે, લતીપર ગામ, પોતાની ભારત પાન નામની દુકાન પર હાજર હતા. તે દરમિયાન આરોપી ચેતનભાઈ વસંતભાઈ ઘોરેચા, (રહે. લતીપર ગામ), અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી ત્યાં આવી પહોંચ્યો હતો.
આરોપીએ ફરિયાદીને ગાળો આપી ઉશ્કેરાઇ જઈ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીના ડાબા હાથમાં બે ઘા તેમજ માથામાં ત્રણ ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે હાથમાં ફ્રેક્ચર તથા માથામાં માઇનર હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ અગાઉ પણ ફરિયાદી પરિવાર સાથે ઝઘડો કર્યો હતો અને તેનું મનદુ:ખ રાખી આ હુમલો કર્યો હતો.
ઉપરાંત, આ ઘટનાથી જાહેર શાંતિ ભંગ થવા પામી હતી તથા હથિયારબંધ જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. ધ્રોલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ હુમલાખોર આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવાઈ રહી છે.
ટ્રેન હડફેટે મોત
જામનગરમાં મહાકાળી સર્કલ પાસેથી પસાર થતી રેલ્વે લાઈન પર દુ:ખદ અકસ્માતની ઘટના સામે આવી છે. અને ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવાનનું માલગાડી હેઠળ કચડાઈ જતાં ગંભીર ઈજા થવાના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજયું છે. જે બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.
ગઈકાલે તા. 30.03.2026 ના રોજ વહેલી સવારે અંદાજે 03:30 કલાકે દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ તરફ જતા પુલ નીચે રેલવે ટ્રેક પર આ બનાવ બન્યો હતો. જેમાં મળતી માહિતી મુજબ મરણજનાર પ્રવિણભાઈ ભવાનભાઈ મેથાણીયા (ઉ.વ. 26), રહે. મહાદર્શન ગૌશાળા ફેઝ-3, ઉદ્યોગનગર, જામનગર, રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે અચાનક આવતી માલગાડીની અડફેટે આવી ગયા હતા.
