રાજયભરમાં જીએસટી વિભાગ સતત સક્રીય થયો છે અને વિવિધ એકમો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં આજે ફરી પાનમસાલાના વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
શહેના મવડી અને કરણપરા વિસ્તારમાં સવારથી જ વિવિધ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ આજ સવાર મવડી વિસ્તારમાં આવેલ પી.પટેલ એજન્સી, કરણપરામાં આવેલ રાજકમલ, ચીલકા, જેનીસ સહીતની પાનમસાલાની એજન્સી પર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા બિલ વગર જ પાનમસાલા અને તમાકુનું વેંચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી મળતા વિવિધ ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડા દરમ્યાન જીએસટી દ્વારા કેટલાક શંકાસ્પદ દસ્તાવેજોની ચકાસણી કરી અને સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પખવાડીયા અગાઉ પણ જીએસટી દ્વારા રાજયવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તપાસના અંતે રૂા.9.22 કરોડની કરચોરી ઝડપાઇ હતી. આજે મવડી અને કરણપરામાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પાનમસાલાના ઉત્પાદકો, ગોડાઉન અને વેંચાણના સ્થળે થયેલા હિસાબો તપાસવામાં આવ્યા હતા.
