મહાશિવરાત્રીનો મેળો માણીને આવતા મિત્રોનો જેતપુર પાસે અકસ્માત, ત્રણના મોત

ઓવરસ્પીડ અને રાતના ઉજાગરા વચ્ચે ચાલકે કાબુ ગુમાવ્યો, કાર પ્રોટેકશન વોલ સાથે અથડાતા બે ટૂકડા થઇ ગયા સ્નેપચેટ પર લગાવેલી સ્ટોરી બની છેલ્લી યાદગીરી, એક…

ઓવરસ્પીડ અને રાતના ઉજાગરા વચ્ચે ચાલકે કાબુ ગુમાવ્યો, કાર પ્રોટેકશન વોલ સાથે અથડાતા બે ટૂકડા થઇ ગયા

સ્નેપચેટ પર લગાવેલી સ્ટોરી બની છેલ્લી યાદગીરી, એક યુવાન ગંભીર

જૂનાગઢની ભવનાથની તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રિના મેળાની મોજ માણીને હસતા-રમતા પરત ફરી રહેલા જેતપુરના ચાર મિત્રો માટે ે મહાશિવરાત્રિના પર્વની સવાર ગોજારી સાબિત થઈ હતી. જેતપુર નજીક જેતલસર જંકશનના રેલવે ઓવરબ્રિજ પર પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોડા કાર ધડાકાભેર પુલની પ્રોટેક્શન વોલ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે મજબૂત ગણાતી સ્કોડા કારના બે ટૂકડા થઈ ગયા હતા.

આ કરુણાંતિકામાં એક યુવતી અને બે યુવકો સહિત કુલ ત્રણ વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. બનાવને પગલે હતભાગી યુવાનોના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, જેતપુરના દાસીજીવણ પરામાં રહેતો અરૂૂણ પ્રફુલ્લભાઈ વાળા (ઉ.22), જલારામ-3 વિસ્તારમાં રહેતો જયદીપ કિશોરભાઈ ચૌહાણ (ઉ.22), અમિત ચનાભાઈ પરમાર (ઉ.22) અને જામકંડોરણાના રાયડી ગામની વતની મુસ્કાનબેન હરેશભાઈ બગડા, આ ચારેય મિત્રો સ્કોડા કાર લઈને ગઈકાલે જૂનાગઢ શિવરાત્રિના મેળામાં ગયા હતા. જ્યાં મેળો માણીને આજે વહેલી સવારે તેઓ પરત જેતપુર આવી રહ્યા હતા. સવારે 6.30 વાગ્યાના સુમારે કાર જેતલસર રેલવે ઓવરબ્રિજ પર પહોંચી હતી.

પોલીસના પ્રાથમિક તારણ અનુસાર તેઓની કાર ફૂલ સ્પીડમાં હોવા ઉપરાંત રાતનો ઉજાગરો હોવાથી કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ધડાકાભેર બ્રિજની દીવાલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનું પડીકું વળી ગયું હતું અને બે ટુકડા થઈ રોડની બંને બાજુએ ફંગોળાઈ ગયા હતા. આ ગોઝારા અકસ્માતમાં અરૂૂણ વાળા અને મુસ્કાન બગડાનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. જ્યારે લોહીલુહાણ હાલતમાં જયદીપ અને અમિતને જૂનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ જયદીપ ચૌહાણે પણ દમ તોડી દેતા મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો મૃતક અરૂૂણ વાળાએ અકસ્માત સર્જાયો તેની થોડીક જ ક્ષણો પહેલાં કારમાંથી એક વીડિયો બનાવીને સ્નેપચેટ પર સ્ટોરી અપલોડ કરી હતી.

બે પરિવારે એકના એક પુત્ર ગુમાવ્યા તો ત્રીજા પરિવારે લાડકવાયી દીકરી
જેતપુર નજીક સર્જાયેલો ગમખ્વાર અકસ્માત ત્રણ પરિવારો માટે વજ્રાઘાત સમાન બન્યો હતો. જેમાં બે પરિવારે એકના એક પુત્ર ગુમાવ્યા હતા તો ત્રીજા પરિવારે વહાલસોઈ દીકરી ગુમાવી છે. (1) મૃતક અરૂૂણ પ્રફુલ્લભાઈ વાળા (ઉ.વ.22, રહે. દાસીજીવણપરા, કેનાલ કાંઠે, જેતપુર)ના શ્રમિક પરિવારમાં માતા-પિતા અને મોટી બહેન છે. તે પરિવારનો એકનો એક દીકરો હતો. (2) મૃતક જયદીપ કિશોરભાઈ ચૌહાણ (ઉ.વ.22) ધોરાજી પાસે છાડાવાવદર ગામનો વતની હતો અને હાલ જેતપુરમાં ધોરાજી રોડ પર જલારામ-3માં માતા-પિતા અને એક નાની બહેનની સાથે રહીને મજૂરી કામ કરતો હતો. તે પરિવારનો એકનો એક દીકરો હતો. (3) મૃતક મુસ્કાનબેન હરેશભાઈ બગડા, જે જેતપુર ખાનગી હોસ્પિટલ કામ કરતી હતી અને જામકંડોરણાના રાયડી ગામે રહેવાસી છે. (4) ઈજાગ્રસ્ત અમિત ચનાભાઈ પરમાર (ઉ.વ. 22)ને ગંભીર હાલતમાં જૂનાગઢ સારવારમાં ખસેડાયો હતો. તે મજૂરી કામ કરે છે, પરિવારમાં માતા-પિતા, ત્રણ ભાઈઓમાં તે ત્રીજા નંબરનો છે અને જેતપુરમાં દાસીજીવણપરામાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *