સમીર મિનહાસની ધૂંવાધાર બેટિંગ, બોલિંગ કરવાનો નિર્ણય, પાક.ના પેસ બોલરના એટકે બાજી ફેરવી
દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારતીય ચાહકોને મોટી નિરાશા સાંપડી છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાનના હાઈવોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાને ભારતને 191 રનથી કારમી હાર આપી છે. આ બીજી વખત છે જ્યારે પાકિસ્તાન ચેમ્પિયન બન્યું છે. પાકિસ્તાને ખડકેલા 347 રનના પહાડ સામે ટીમ ઈન્ડિયા માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ શરમજનક હાર માટે નીચે મુજબના મુખ્ય ચાર કારણો જવાબદાર માનવામાં આવે છે:
1. સમીર મિનહાસનું વાવાઝોડું ભારતની હારનું સૌથી મોટું અને મુખ્ય કારણ પાકિસ્તાની ઓપનર સમીર મિનહાસ રહ્યો. તેણે ફાઈનલ મેચમાં ભારતીય બોલરોની ધોલાઈ કરતા માત્ર 113 બોલમાં 172 રન ની ઐતિહાસિક ઈનિંગ રમી. મિનહાસ આ ટૂર્નામેન્ટમાં પહેલેથી જ જોરદાર ફોર્મમાં હતો અને ફાઈનલ પહેલા જ તેણે 299 રન બનાવી લીધા હતા. તેમ છતાં, ભારતીય ટીમ મેનેજમેન્ટ તેની સામે કોઈ ખાસ રણનીતિ ઘડવામાં નિષ્ફળ ગયું અને તેણે એકલા હાથે મેચનું પાસું પલટી નાખ્યું.
2. ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો ક્રિકેટના આંકડા અને ઈતિહાસને અવગણવો ભારતને ભારે પડ્યો. અંડર-19 એશિયા કપના ઈતિહાસમાં અત્યાર સુધી 11 ફાઈનલ રમાઈ છે, જેમાંથી માત્ર 2 વાર જ પાછળથી બેટિંગ (ચેઝ) કરનારી ટીમ જીતી છે. ફાઈનલ મેચમાં હંમેશા સ્કોરબોર્ડનું દબાણ રહેતું હોય છે. આમ છતાં, કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી, જે વ્યૂહાત્મક રીતે મોટી ભૂલ સાબિત થઈ.
3. દબાણમાં વિખેરાઈ ગયું ભારતીય બેટિંગ લાઈન-અપ 348 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા શરૂૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. માત્ર 49 રન ના સ્કોર પર ભારતની મહત્વની 3 વિકેટો પડી ગઈ હતી. સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી 26 રન અને કેપ્ટન આયુષ માત્ર 2 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા. વિહાન મલ્હોત્રા અને અભિજ્ઞાન કુંડુ જેવા ફોર્મમાં રહેલા બેટ્સમેનો પણ ફાઈનલના પ્રેશર સામે ટકી શક્યા નહીં અને ટીમ પત્તાના મહેલની જેમ તૂટી પડી.
4.ભારતીય બેટ્સમેનો સ્પિન સામે સારું રમતા હોય છે, પરંતુ અહીં પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ તરખાટ મચાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે ભારતની તમામ 10 વિકેટ પાકિસ્તાનના ઝડપી બોલરો એ જ લીધી હતી. ખાસ કરીને અલી રઝા એ 6.2 ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સૈયમ, અબ્દુલ સુભાન અને હુઝૈફા અહસાને 2-2 વિકેટ લઈને ભારતને 156 રનમાં સમેટી દીધું હતું.
